- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી માગ
- 'ભારતીય ડૉક્ટર'ને ભારત રત્ન આપવા માગ કરી
- માગને અનુલક્ષીને વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે, આ વર્ષે ભારત રત્ન 'ભારતીય ડૉક્ટર' ને આપવામાં આવે. કેજરીવાલે આ માટે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કોરોના કાળ દરમિયાન ડૉક્ટર્સ અને નર્સિસ દ્વારા કરવામાં આવેલી અથાક કામગીરીને અનુલક્ષીને આ સન્માન આપવાની માગ કરી છે.
ડૉક્ટર્સનો આભાર માનવાની આથી વિશેષ કોઈ રીત નથી
વડાપ્રધાનને લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કોરોનાથી લડતા લડતા અનેક ડૉક્ટર્સ અને નર્સિસે પોતાના જીવ ગુમાવ્યા છે. જો આપણે તેમને ભારત રત્નથી સન્માનિત કરીએ, તો આ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે. દેશભરમાંથી લાખો ડૉક્ટર્સ અને નર્સિસે પોતાના જીવ અને પરિવારની પરવાહ કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. તેમને સન્માનિત કરવા અને આભાર માનવા માટે આથી વિશેષ કોઈ રીત નથી.
તો પછી નિયમને બદલવામાં આવે
અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે, 'ભારતીય ડૉક્ટર' થી મારો તાત્પર્ય કોઈ એક વ્યક્તિ નહિં, પરંતુ ડૉક્ટર, નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફનો સમૂહ છે. જો નિયમ મુજબ કોઈ સમૂહને ભારત રત્ન ન આપી શકાતો હોય તો નિયમને બદલવામાં આવે.