હૈદરાબાદ: BRS પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રવિવારે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે. આ સાથે તેઓ 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. BRS સૂત્રોએ જણાવ્યું હતું કે રાવ અહીં પાર્ટી મુખ્યાલયમાં BRS ધારાસભ્ય ઉમેદવારો સાથે બેઠક કરશે. તેમને બી-ફોર્મ સોંપશે. બી-ફોર્મ એક રીતે પાર્ટીની ટિકિટ કહેવાય છે. ચૂંટણીમાં રાજકીય પક્ષ દ્વારા ચોક્કસ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનો આ પુરાવો છે.
આજે જાહેર કરશે મેનિફેસ્ટો: આ દરમિયાન KCR ચૂંટણીમાં પાલન કરવાના નિયમો સમજાવશે. ઉમેદવારોને જરૂરી સૂચનો આપશે. આ પછી BRS પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે. કેસીઆરના ભત્રીજા, રાજ્યના આરોગ્ય અને નાણા પ્રધાન ટી હરીશ રાવે અગાઉ કહ્યું હતું કે બીઆરએસ મેનિફેસ્ટોમાં ખેડૂતો, મહિલાઓ, સામાજિક સુરક્ષા પેન્શનરો અને યુવાનોને લાભ આપવાનાં પગલાં શામેલ હશે. બાદમાં સાંજે, કેસીઆર સિદ્ધિપેટ જિલ્લાના હુસ્નાબાદમાં એક જાહેર સભાને સંબોધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
KCR કઈ બેઠકને માને છે લકી: હુસ્નાબાદને પાર્ટી માટે લકી માનવામાં આવે છે કારણ કે કેસીઆરે અહીંથી 2018ની વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી હતી. તે સમયે પાર્ટીને મોટી સફળતા મળી હતી. હુસ્નાબાદથી શરૂ કરીને કેસીઆર વિધાનસભા ચૂંટણી માટે જોરદાર પ્રચાર શરૂ કરશે. તેમના કામચલાઉ પ્રવાસના કાર્યક્રમ હેઠળ તેઓ ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં 9 નવેમ્બર સુધી 41 જાહેર રેલીઓને સંબોધિત કરશે. વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ પર તેની લીડનો લાભ લઈને BRSએ ઓગસ્ટમાં જ કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી 115 માટે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.