- ચીનમાં વીજ કટોકટીથી 20 રાજ્યો પ્રભાવિત
- એપ્રિલ, 2022 સુધી ચીનમાં વીજ કટોકટી રહેશે
- ઘરોમાં વીજળીના ઉપયોગ પર પ્રતિબંધ, કારખાનાઓના વીજ સપ્લાયમાં પણ મુકાયો કાપ
- વિશ્વના અન્ય દેશોને પણ ચીનની વીજ કટોકટીની અસર થઈ શકે છે
હૈદરાબાદ: ચીન (China)ના 20 રાજ્યોમાં અભાવના કારણે વીજળી રોટેશન (China Power Supply In Rotation)માં મળી રહી છે. કારખાના બંધ થઈ રહ્યા છે. આની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global Economy) પર પડવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ચીનના 3 ભાગોમાં વીજળીની તંગી 2022ની એપ્રિલ સુધી રહેશે તેવી શક્યતા છે. ચીનના ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર (China Industrial Sector)માં વીજળીના પુરવઠાની સમસ્યા માર્ચથી છે. ઘરોમાં વીજળીના ઉપયોગ પર પ્રતિબંધ હાલમાં જ લાગું થયો છે.
કારખાનાઓ માટે વીજળીનો સપ્લાય મર્યાદિત કરવામાં આવ્યો
ચીન અત્યારે મોટા વીજળી સંકટ (China Power Crises)નો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મિલો અને કારખાનાઓ માટે વીજળીનો સપ્લાય સીમિત કરી દેવામાં આવ્યો છે. અનેક ઇન્ડસ્ટ્રીને અઠવાડિયામાં ફક્ત 4 અથવા 5 દિવસ વીજળી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘરો માટે વીજળીનો સપ્લાય (Power Supply) પણ નિયંત્રિત કરવામાં આવ્યો છે. ઉત્તર -પૂર્વ ચીનના કેટલાક ભાગોમાં લોકોને ઘરોમાં વોટર હીટર અને માઇક્રોવેવનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં લિફ્ટ અને ટ્રાફિક લાઇટ પણ પ્રભાવિત થઈ છે. પૂર્વ ચીનના ટિયાંજીનમાં સોયાબિન પ્રોસેસિંગ પ્લાન્ટ પણ 22 સપ્ટેમ્બરથી બંધ છે.
ભારત સહિતના દેશો પર પડી શકે છે અસર
વીજળીની કટોકટીને કારણે ચીનની મોટી અર્થવ્યવસ્થા ધીમી થવાનું અને ત્યાંના કારખાનાઓમાં બનેલા ઉત્પાદનોના પુરવઠા પર ભાર વધવાનું જોખમ વધ્યું છે. જો ચીનની સરકાર જલ્દીથી પરિસ્થિતિને કાબૂ કરશે નહીં તો ભારત સહિતના એ દેશોને પણ આની અસર થશે જે ચીનથી ઘણો માલ આયાત કરે છે.
આખરે ચીનમાં વીજળીની કટોકટી કેમ સર્જાઈ?
કહેવામાં આવી રહ્યું છે કે પાવર હાઉસને કોલસાના પુરવઠામાં વિક્ષેપ અને લોકડાઉન સમાપ્ત થયા બાદ ઉદ્યોગો અને ઘરોની વધતી માંગને કારણે, વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેના સંતુલનમાં ખલેલ પહોંચી. પરંતુ તેનું સૌથી મોટું કારણ ચીનની પોતાની પાવર પૉલિસી છે. જળવાયુ પરિવર્તનની ચર્ચા વચ્ચે રાષ્ટ્રપતિ શી જિનપિંગે વર્ષ 2060 સુધી ચીનને સંપૂર્ણ રીતે કાર્બન ન્યૂટ્રલ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે ચીનમાં ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પર્યાવરણીય નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. વીજ વપરાશના લક્ષ્યો પણ નક્કી કરવામાં આવ્યા હતા. લક્ષ્ય મેળવવા માટે ચીને વીજ ઉત્પાદન પર કાપ મુકવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કડક નિયમોની અસર કોલસાના સ્થાનિક ઉત્પાદન પર પણ પડી.
ચીનની યોજના ખુદ માટે બની મુસીબત
લોકડાઉન પૂર્ણ થયા બાદ વીજળીની માંગ વધી ગઈ. આના કારણે એક તરફ કોલસાની કિંમત ઊંચા સ્તરે પહોંચી, બીજી બાજું સરકારે આના વ્યાપક ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો. આના કારણે વીજળીની ઉત્પાદન કિંમત વધી ગઈ. નિયંત્રિત વીજળી કિંમત વ્યવસ્થાને કારણે ત્યાં વીજ ઉત્પાદક કંપનીઓએ ઉત્પાદન કાપવાનું શરૂ કર્યું. આ રીતે ચીનની ઔદ્યોગિક વીજળીના ઉપયોગને અંકુશમાં લેવાની યોજના હવે ધીમે ધીમે સમસ્યા બનવા લાગી.
ઑસ્ટ્રેલિયાએ ચીનમાં કોલસાની નિકાસ પર નિયંત્રણો લગાવ્યા
નિષ્ણાતો માને છે કે ચીને તેની ખાણોમાં કોલસાના ખાણકામને રોકતા પહેલા કોલસાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ. પરંતુ ઓસ્ટ્રેલિયા સાથે બગડતા સંબંધોને કારણે તેને આ તક મળી નથી. વિશ્વના બીજા સૌથી મોટા કોલસા નિકાસકાર ઓસ્ટ્રેલિયાએ ચીનમાં કોલસાની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે. બીજું એક કારણ નેચરલ ગેસની તંગી છે. કોવિડ-19 પ્રતિબંધોમાં ઢીલ આપ્યા બાદ વિશ્વના અનેક દેશ એકસાથે ઈંધણનો સ્ટોક કરવામાં લાગ્યા છે. આ કારણે નેચરલ ગેસની કિંમત પણ વધી છે. વીજળી માટે આનો ઉપયોગ અત્યારે મોંઘો સાબિત થઈ રહ્યો છે.
ચીને કોલસાનું ઉત્પાદન ધીમું કરી દીધું
ચીનના નીતિ નિર્માતાઓએ 2019માં જ આ સંકટ પ્રત્યે સરકારને ચેતવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચીનને 2021-2025ના સમયગાળામાં વીજળીની તંગીના જોખમોને દૂર કરવા માટે વધુ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ બનાવવાની જરૂર છે. તેનાથી વિપરીત, ચીને પોતાના કોલસાના ઉત્પાદનને જ ધીમું કરી દીધું.
વીજળીનો ઉપયોગ કઈ રીતે ઘટાડી રહ્યા છે ચીની અધિકારી
સરકારે પોતાના પ્રાંતોના અધિકારીઓને વીજળીનો ઉપયોગ ઘટાડવાનું લક્ષ્ય આપ્યું હતું. રાષ્ટ્રીય વિકાસ અને સુધાર આયોગ (NDRC) પ્રમાણે, લૉકડાઉન બાદ માંગમાં વધારો થવાના કારણે લક્ષ્ય પૂર્ણ ન થઈ શક્યું. ઑગસ્ટ 2021માં ગત વર્ષે એટલે કે 2020ની સરખામણીએ 10.1 ટકા વધારે વીજળી વપરાઈ. ત્યારે ઝેજિયાંગ, જિઆંગસુ, યુન્નાન અને ગ્વાંગડોંગ ક્ષેત્રોની સ્થાનિક સરકારોએ કારખાનાઓને વીજળીનો ઉપયોગ ઘટાડવા અથવા ઉત્પાદન પર અંકુશ લાવવાના નિર્દેશ આપ્યા. વીજળી કંપનીઓ અને અધિકારીઓએ કારખાનાઓને નોટિસ મોકલીને રોજના 4 કલાક પ્રોડક્શન કરવા અથવા અઠવાડિયામાં 2થી 3 દિવસ સંપૂર્ણ રીતે કામ બંધ રાખવાની સૂચના આપી. પૂર્વ ચીનમાં તો ઘરોમાં પણ વીજળી કાપવામાં આવવા લાગી.
વીજળીની અછતના કારણે કયા ઉદ્યોગો પ્રભાવિત થયા?
વીજળીની અછતથી એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગ, સ્ટીલ મેકિંગ, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ફર્ટિલાઇઝર ઉત્પાદનવાળા સેક્ટરો પ્રભાવિત થયા. એલ્યુમિનિયમ અને રસાયણો બનાવતી 15 ચીની કંપનીઓએ કહ્યું છે કે, વીજળીની અછતને કારણે તેમનું ઉત્પાદન ખોરવાયું છે. ચીનની સરકાર કહે છે કે, તે વીજળીની અછતને દૂર કરવા માટે કામ કરશે, પરંતુ તે કયા પગલાં લેશે તે વિશે જણાવ્યું નથી. હાલમાં કોલસાની તંગીને દૂર કરવા માટે મંગોલિયા, રશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવા તાકીદ કરવામાં આવી છે.
ચીનના પાવર ક્રાઇસિસથી દુનિયા કેમ ચિંતિત છે?
ચીનમાં વીજળીની અછતના કારણે બંધ થઈ રહેલા કારખાનાઓના કારણે દુનિયાની ચિંતા વધી ગઈ છે. આની અસર એ છે કે વિશ્વ સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ શકે છે અને અનેક અર્થવ્યવસ્થાઓ દબાણમાં આવી જશે. ગ્લોબલ માર્કેટમાં દવાઓ ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત અનેક મેડલના ભાવોમાં વધારો આવી શકે છે. ભારતમાં છેલ્લા 3 દિવસમાં જ સ્ટીલના ભાવમાં 1500 રૂપિયા પ્રતિ ટન વધારો થઈ ગયો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં કપડા, રમકડાથી લઇને મશીનના પાર્ટ્સ સુધીના પુરવઠામાં તંગી સર્જાશે. ચીનમાં ઉત્પાદન ઓછું થયા બાદ ઉત્પન્ન થનારી ગેપને તાત્કાલિક ભરી શકાય છે. ભારતમાં મોબાઇલ ફોન, ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક સામાનની આયાત પર પણ પ્રભાવ પડશે તે નક્કી છે. આ ઉપરાંત ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટર પણ મંદા પડ્યા છે. આર્થિક અને વેપારી ગતિવિધિઓમાં ઘટાડો આર્થિક મંદી તરફ દુનિયાને ધકેલી શકે છે. આ સમસ્યા વચ્ચે કેટલાક નિષ્ણાતો સ્થિતિને ભારત માટે અનુકૂળ માને છે. તેમનું માનવું છે કે ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં સમસ્યાના કારણે યુરોપની કંપનીઓ રોકાણ માટે ભારત તરફ વળી શકે છે.
આ પણ વાંચો: QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે
આ પણ વાંચો: ભારતની અગ્નિ-5 મિસાઇલના ટેસ્ટથી કેમ ગભરાયેલું છે ચીન? જાણો આની તાકાત