નવી દિલ્હીઃ દિવ્યાંગોને સરકાર જે સહાય પૂરી પાડે છે તે સહાય તંદુરસ્ત લોકોને પૂરી પડાતી સહાયથી 25 ટકા વધુ હોવી જોઈએ. આ માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ સહાય સામાજિક કલ્યાણ મંત્રાલય દ્વારા પૂરી પાડે છે.
ભૂમિકા ટ્રસ્ટે કરી છે અરજીઃ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે આ અરજી પર સુનાવણી કરી છે. આ અરજી દિલ્હીની સંસ્થા 'ભૂમિકા ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી ચાર અઠવાડિયા સુધી ટાળી દીધી છે.
દિવ્યાંગજન અધિકાર અધિનિયમઃ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટના સહયોગ માંગતા જણાવ્યું કે અહીં અરજદાર દ્વારા દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016ની કલમ 24(1)ના નિયમને આધાર બનાવ્યો છે. દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016ની કલમ 24 સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલ છે. જ્યારે 24(1) અનુસાર સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ અન્ય લોકોની સરખામણીમાં દિવ્યાંગ લોકોને 25 ટકા વધુ મળવો જોઈએ.
રાજ્યના બદલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યોઃ બેન્ચે કઈ યોજનામાં 25 ટકા વધુ લાભ મેળવવા માંગો છો તેમ પુછતા રાઘવે અનેક રાજ્યોમાં મળતી દિવ્યાંગ પેન્શન યોજનાની માહિતી આપી. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને નોટિસ પાઠવવાને બદલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ મેળવવો વધુ યોગ્ય ગણ્યો. રાજ્ય સરકારો પાસથે એક એક કરીને દિવ્યાંગ યોજનામાં અપાતી સહાયના રિપોર્ટના સંકલનમાં સમયનો વધુ વ્યય થવાને પરિણામે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.