- કેન્દ્રીય ટીમ દ્વારા નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકના ઘરની મુલાકાત લીધી
- નિપાહ વાઇરસ ચામાચીડિયાને કારણે પણ ફેલાઇ શકે છે
- માનવીઓ તેમજ પ્રાણીઓ માટે સંભવિત રીતે જીવલેણ નિપા વાઇરસ
ન્યૂઝ ડેસ્ક: રવિવારના રોજ કેરળના કોઝિકોડ પહોંચેલી એક કેન્દ્રીય ટીમે નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકના ઘરની મુલાકાત લીધી હતી નિષ્ણાતોએ કહ્યું કે ફળોના નમૂનાઓ ચેપનો સ્ત્રોત ઓળખવામાં મદદ કરશે અને ખાતરી કરશે કે સંક્રમણ ચામાચીડિયાથી થયું છે કે નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, નિપાહ વાઇરસ ચામાચીડિયાને કારણે પણ ફેલાઇ છે અને માનવીઓ તેમજ પ્રાણીઓ માટે સંભવિત રીતે જીવલેણ છે.
લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ
નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકના પરિવારના તમામ સભ્યો અને અન્ય લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. એનસીડીસીના નિષ્ણાતોએ પરિવારના તમામ સભ્યો અને અન્ય લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે અને જો કોઈ સમસ્યા હોય તો વહેલામાં વહેલી તકે આરોગ્ય સંબંધિત લોકોને જાણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય ટીમે સ્થાનિક લોકોને તેમના ઘરની અંદર અને આસપાસ પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: કેરળ: શંકાસ્પદ નિપાહ વાઇરસ ચેપના કારણે 12 વર્ષનાં બાળકનું મોત
કન્નૂર જિલ્લાના નજીકના વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવા જાહેરાત
જોખમમાં વધારો ન થાય તે માટે, નિપાહ પીડિતના ઘરના ત્રણ કિલોમીટર સુધી કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોઝીકોડ, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લાના નજીકના વિસ્તારોમાં પણ આવા જ સાવચેતીના પગલાં જારી કરવામાં આવ્યા છે.
કેરળમાં નિપાહથી મૃત્યુ પામેલા બાળકના સંપર્કમાં 188 લોકો આવ્યા, 20 વધુ જોખમમાં
કેરળમાં, નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા બાળકના સંપર્કમાં આવેલા 188 લોકોની ઓળખ થઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રવિવારે જણાવ્યું હતું કે, સર્વેલન્સ ટીમે તેમાંથી 20 લોકોને ઉચ્ચ જોખમ તરીકે ગણ્યા છે. તેમાંથી બેમાં નિપાહ વાઇરસના લક્ષણો પણ મળી આવ્યા છે.
ઉચ્ચ જોખમ ધરાવતા તમામ 20 લોકોને કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા
જે બે લોકોને લક્ષણો મળ્યા છે તે બંને આરોગ્ય કર્મચારીઓ છે. એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. જ્યારે બીજો કોઝીકોડ મેડિકલ કોલેજનો સ્ટાફ છે. તેમણે કહ્યું કે ઉચ્ચ જોખમ ધરાવતા તમામ 20 લોકોને કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે અને બાળકના સંપર્કમાં રહેલા અન્ય લોકોને અલગતામાં રહેવા કહેવામાં આવ્યું છે.
બાળકના સંપર્કમાં આવેલા લોકોના મોનિટરિંગ માટે 16 ટીમો બનાવાઇ
રિપોર્ટ 12 કલાકમાં પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલય છેલ્લા બે અઠવાડિયાના સ્થળો અને સમયનો રૂટ પણ જાહેર કરશે. આ સાથે વિભાગે બે ફોન નંબર પણ જાહેર કર્યા છે. બાળકના સંપર્કમાં આવેલા લોકોના ટ્રેસિંગ, મોનિટરિંગ અને અન્ય વસ્તુઓ માટે 16 ટીમો બનાવવામાં આવી છે. બાળકને 27 ઓગસ્ટના રોજ તાવ આવ્યો અને તેને સ્થાનિક ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને MCH લાવવામાં આવ્યો હતો.