નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટના ઉલ્લંઘન બદલ ન્યૂઝ ક્લિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં બે સ્થળો પર તપાસ એજન્સીની સર્ચ ચાલી રહી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ અને HR વડા અમિત ચક્રવર્તીને 10 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
ચીન તરફી પ્રચાર માટે જંગી પૈસા મળ્યા હતા : ગયા અઠવાડિયે દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ નોંધાયેલા કેસમાં તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકને ચીન તરફી પ્રચાર માટે જંગી પૈસા મળ્યા હતા. એડિશનલ સેશન્સ જજ ડૉ. હરદીપ કૌરે વિગતવાર દલીલો સાંભળ્યા પછી, આ કેસમાં પુરકાયસ્થ અને ચક્રવર્તીની 10 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરતી દિલ્હી પોલીસની અરજી સ્વીકારી છે.
બચાવપક્ષના વકિલે દલિલો રજૂ કરી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ રજૂ કર્યા હતા. પ્રબીર પુરકાયસ્થ તરફથી હાજર રહેલા એડવોકેટ અર્શદીપ સિંહે કહ્યું કે, 'મારો અસીલ એક પ્રતિષ્ઠિત પત્રકાર છે અને તેના સ્વતંત્ર અવાજ માટે જાણીતો વ્યક્તિ છે. પરંતુ તેઓએ (એજન્સી) UAPAની કડક કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી.
ફેક ન્યુઝ ચલાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી : એજન્સીનો આરોપ છે કે મારા અસીલને ગૌતમ નવલખા સાથે સંબંધ છે. તે UAPA આરોપોનો સામનો કરી રહ્યો છે. તે UAPA આરોપોનો સામનો કરી રહ્યો હોવાથી, મારા અસીલને પણ UAPA આરોપોનો સામનો કરવો પડશે. શું કોઈને મળવું એ પણ ગુનો બની ગયો છે? તે સાથી પત્રકાર છે. હું તેને 1991 થી ઓળખું છું. હવે અચાનક મારા ક્લાયન્ટને આ કનેક્શનના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જણાવ્યું હતું કે તેણે ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવાના બદલામાં વિદેશમાંથી કરોડો રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.