ટોરન્ટોઃ કેનેડાના સુરક્ષા પ્રધાન બિલ બ્લેરે ભારત સાથેના સંબંધો વિશે નિવેદન આપ્યું છે. તેમણે ભારત અને કેનેડાના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવ્યા છે. જો કે શીખ નેતા નિજ્જરની હત્યાની ઘટનાને તેમણે પડકારજનક ગણાવી છે. આ હત્યાની ચાલી રહેલી તપાસ દરમિયાન ભારત પેસેફિક સમજુતીને આગળ વધારવામાં આવશે.
કેનેડિયન વડાપ્રધાનનો આરોપઃ જી-20 સમિટ બાદ તરત જ કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત પર ખાલીસ્તાની ચળવળ નેતા હરદીપ સિંઘ નિજ્જરની હત્યાના આરોપ લગાવ્યા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. કેનેડામાં જૂન મહિનામાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ભારતે નિજ્જરને વર્ષ 2020માં આતંકવાદી ગણાવ્યો હતો.
ભારતે આરોપો નકાર્યાઃ ભારતે કેનેડિયન વડાપ્રધાનના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ભારતે આ આરોપો નકારી કાઢ્યા હતા. આ દરમિયાન કેનેડા સરકારે એક ભારતીય ડિપ્લોમેટને રવાના કરી દીધા હતા. ભારતે પણ તેના પ્રત્યુત્તરમાં સીનિયર કેનેડિયન ડિપ્લોમેટ્સને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. જેના પરિણામે બંને દેશોના સંબંધોમાં કડવાશ વ્યાપી ગઈ હતી.
ઈન્ડો-પેસિફિક સમજુતીઃ મીડિયા રિપોર્ટ અનુસાર આ વિવાદ પહેલા કેનેડા ભારત સાથે વેપાર, સુરક્ષા અને ઈમિગ્રેશન સંદર્ભે ગાઢ સંબંધ બનાવવા માંગતું હતું. આ દરમિયાન કેનેડાના સુરક્ષા પ્રધાન બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેમણે નિજ્જરની હત્યાની તપાસ થાય ત્યાં સુધી ભારત પેસિફિક સમજુતી મુજબ આગળ વધવાનો અભિગમ જાહેર કર્યો છે. તેમણે નિજ્જરની હત્યાનો મુદ્દો ભારત સાથેના સંબંધો માટે પડકારજનક ગણાવ્યો છે.
કાયદા વ્યવસ્થા પર ભારઃ કાયદા વ્યવસ્થાની સુરક્ષા કરવી તે દરેકની જવાબદારી છે. આ સુરક્ષા જાળવીને હત્યાની તપાસ કરવામાં આવશે. બ્લેરે હત્યાના આરોપોની સાબિતીને ચિંતાનો વિષય ગણાવ્યો છે. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યાએ દેશની અખંડિતતાનું ઉલ્લંઘન છે. બ્લેર જણાવે છે કે ઈન્ડો પેસિફિક સમજુતીનો કેનેડા હજુ પણ આદર કરે છે.