- સચિન પાયલટને લઈ કુટ્ટીનું મોટું નિવેદન
- હિન્દુ-મુસ્લિમનો DNA એક જ છે: BJP
- સચિન પાયલટે કુટ્ટીનું નિવેદન નકાર્યુ
જયપુર(રાજસ્થાન): ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લા કુટ્ટીએ સચિન પાયલટને લઈને મોટું રાજકીય નિવેદન આપ્યું છે. અટકળોને વેગ આપતાં તેમણે કહ્યું છે કે, એક સારા નેતા સચિન ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. કુટ્ટીએ કહ્યું કે, તેમને આમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કુટ્ટી લઘુમતી મોરચાની રાજ્ય કાર્ય સમિતિની બેઠકને સંબોધવા માટે અહીં પહોંચ્યા હતા.
શું સચિન પાયલટ ભાજપમાં જોડાશે?
કાર્યક્રમ દરમિયાન, તેમણે જણાવ્યુ કે, જતિન પ્રસાદે યુપીમાં સમયસર કોંગ્રેસ છોડી દીધી છે. હવે અપેક્ષા છે કે સચિન પાયલટ પણ જલ્દી જ કોંગ્રેસ છોડી દેશે. ઇવેન્ટ બાદ જ્યારે મીડિયાએ તેમના નિવેદનની પુષ્ટિ માગી ત્યારે તેમણે ફરી જણાવ્યુ કે, " અંતે સચિન પાયલટ આવી જ ગયા ". કુટ્ટીએ કહ્યું કે, મને લાગે છે કે તે ભવિષ્યમાં ભાજપમાં આવશે. અબ્દુલ્લા કુટ્ટીના જણાવ્યા મુજબ, સચિન પાયલટ એક સારા નેતા છે અને તે ટૂંક સમયમાં ભાજપ સાથે જોવા મળશે.
આ પણ વાંચો- ધીરુ ગાજેરાની 'ઘર વાપસી', 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે
હિન્દુ-મુસ્લિમ DNA એક છે અને ભાજપ બન્નેને સાથે લઈને આગળ વધે છે
તેમની જયપુરની મુલાકાત દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લા કુટ્ટીએ જણાવ્યું હતું કે, ભાજપ મુસ્લિમો વિરુદ્ધ છે તે વાત તદ્દન ખોટી છે. સરસંઘચાલકે સ્પષ્ટ કહ્યું છે કે, મુસ્લિમ અને હિન્દુ એક છે અને હિન્દુ-મુસ્લિમનો DNA પણ એક છે. અબ્દુલ્લા કુટ્ટીએ કહ્યું કે, ખોટી રીતે પ્રચાર કરવામાં આવે છે કે, ભાજપ મુસ્લિમોની વિરુદ્ધ છે, પરંતુ એવું નથી. ભાજપ એક પાર્ટી છે જે દરેકને સાથે લઈને ચાલે છે અને આ ભાજપનો સિદ્ધાંત છે. આ દરમિયાન એપી અબ્દુલ્લા કુટ્ટીએ રાજસ્થાન લઘુમતી મોરચાના કામની પણ પ્રશંસા કરી હતી.
રાજકીય કટોકટી દરમિયાન પણ પાયલટ ભાજપમાં જોડાયા હોવાની ચર્ચાઓ હતી!
આ પહેલા પણ રાજકીય કોરિડોરમાં સચિન પાયલટ વિશે આ પ્રકારની ચર્ચા સામાન્ય રહી છે. લગભગ એક વર્ષ પહેલા, કોંગ્રેસમાં સચિન પાયલટ વિરોધી શિબિરના નેતાઓએ પણ આ પ્રકારના આક્ષેપો કર્યા હતા, પરંતુ સચિન પાયલટે તેમને સીધા જ નકારી દીધા હતા. હાલમાં રાજસ્થાન કોંગ્રેસ અને ગેહલોત સરકારમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે અને આ દરમિયાન કરવામાં આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આ નિવેદનને રાજકીય રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.