બેંગલોર : કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ સોમવારે ભારે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, વિપક્ષ ક્યારેય જનતા દળ સેક્યુલરને પોતાનો ભાગ માનતો નથી અને તેમની પાર્ટી કોઈપણ વિપક્ષી ગઠબંધનનો ભાગ બનશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાર્ટીને 18 જુલાઈએ યોજાનારી બેઠક માટે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન તરફથી આમંત્રણ મળ્યું નથી.
કુમારસ્વામીનું નિવેદન : કુમારસ્વામી 17-18 જુલાઈના રોજ બેંગલોરમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે એનડીએ તરફથી કોઈ આમંત્રણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેઓ આ મોરચે વિચાર કરશે. જેડી-એસ નેતાએ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની ટીકા કરી અને કહ્યું કે તેણે તેની સિદ્ધિઓ દર્શાવતા શેરીઓમાં પોસ્ટરો લગાવ્યા છે.વધુમાં કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ખેડૂતોની આત્મહત્યા જોઈ શકાતી નથી. 42 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ મામલે સરકારે હજુ સુધી કંઈ કહ્યું નથી.
વિપક્ષે ક્યારેય જેડીને પોતાનો ભાગ માન્યો નથી. તેથી JD(S)ના કોઈપણ મહાગઠબંધનની પાર્ટી હોવાનો કોઈ પ્રશ્ન નથી. NDAએ અમારી પાર્ટીને કોઈ બેઠક માટે આમંત્રણ આપ્યું નથી. મહાગઠબંધનના સંચાલકો એવા ભ્રમમાં છે કે જેડી-એસ પક્ષ ડૂબી ગયો છે.-- એચ.ડી. કુમારસ્વામી (ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કર્ણાટક)
આજે વિપક્ષની બેઠક : કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, વિપક્ષી દળોની બેઠકમાં 26 પક્ષોના નેતાઓ હાજરી આપશે. 2024 ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારે સાંજે 6 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની અનૌપચારિક બેઠક થવાની છે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે ઔપચારિક બેઠક યોજાશે. ઉલ્લેખનિય છે કે, વિપક્ષી એકતાની પ્રથમ બેઠક ગત મહિને પટનામાં મળી હતી.