નવી દિલ્હીઃ વર્ષ 2002માં ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામુહિક બળાત્કાર અને પરિવારના 7 સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો. આરોપીઓને સજા કરવામાં આવી હતી. 11 આરોપીઓને સજા પૂરી થાય તે પહેલા જ છોડી દેવામાં આવ્યા હતા. આ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટ 9મી ઓક્ટોબરે કરશે.
સંક્ષિપ્તમાં તર્ક રજૂ કરવા આદેશઃ ન્યાયાધીશ બી. વી. નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જલ ભૂંઈયાની સંયુક્ત બેન્ચે બિલ્કિસ બાનો સહિત અરજીકર્તાઓના વકીલને સંક્ષિપ્ત લખાણમાં તર્ક રજૂ કરવાનું કહ્યું છે. આ મામલે આરોપીઓની તરફથી દલીલો પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે અરજીકર્તાઓના વકીલની જવાબી દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટ ફેંસલો કરશે. બેન્ચે જણાવ્યું કે, અમે તમારા કહેવાથી સમગ્ર મામલો ફરીથી નહીં ઓપન કરીએ. અરજકર્તાના વકીલ દરેક તર્કને સંક્ષિપ્તમાં લખીને રજૂ કરે. જેના માટે 9મી ઓક્ટોબરે બપોરે 2 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. 20 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પુછ્યું હતું કે આરોપીઓ પાસે માફી માંગવાનો મૌલિક અધિકાર છે? શું કોઈ અરજી બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત દાખલ કરવામાં આવશે? વકીલે કબૂલ્યું હતું કે આરોપીઓ પાસે માફી માંગવાનો મૌલિક અધિકાર નથી.
સજા માફી વિરુદ્ધ થયેલ પીઆઈએલઃ અનુચ્છેદ 32 અંતર્ગત પીડિત અથવા અન્ય કોઈને સુપ્રીમ કોર્ટમાં સીધી અરજી દાખલ કરવાનો હક્ક નથી, કારણ કે તેમના કોઈ મૌલિક અધિકારનું ઉલ્લંઘન થતું નથી. તેમણે વધુ એક તર્ક રજૂ કર્યો હતો કે પીડિતો પાસે અનુદાનને પડકારવા માટે અન્ય બંધારણિય અધિકારો છે. 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દોષિતોને માફી આપવામાં પસંદગી કરી શકે નહીં તેમ જણાવ્યું હતું. તેમજ દરેક કેદીને સમાજ સાથે જોડાવાનો અને સુધરવાનો મોકો મળવો જોઈએ તેના પર ભાર મુક્યો હતો. બિલ્કિસ બાનોએ દોષિતોને આપેલી માફીને પડકારતી અરજી ઉપરાંત સીપીઆઈ(એમ) નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લૌલ અન લખનઉ યુનિવર્સિટીના કુલપતિ રુપ રેખા વર્મા સહિત અનેક પીઆઈએલ દ્વારા દોષિતોને અપાતી માફીને પડકારાઈ છે. ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સજામાં અપાયેલી છુટ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી છે.