બિલાસપુર : આજે એક સાથે ત્રણ યુવતીઓના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટના કોનીના સેન્દ્રી વિસ્તારમાં બની હતી. જ્યારે ત્રણ યુવતીઓ અરપા નદીમાં નહાવા ગઈ હતી અને નદીમાં ડૂબી ગઈ હતી. ગેરકાયદેસર રેતી ખનનને કારણે અરપા નદીમાં અનેક મોટા ખાડા પડી ગયા છે. આ ત્રણેય યુવતી એક ખાડાના ઉંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને ડૂબી ગઈ હતી. જેના કારણે તેઓનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, ત્રણેય યુવતીઓ એક જ પરિવારની છે. ત્રણેયના મૃતદેહ SDRF ની ટીમે બહાર કાઢ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર શોકાતુર : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ ત્રણેય બહેનો અરપા નદીમાં ન્હાવા ગઈ હતી. ન્હાવા જતા ત્રણેય ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. નજીકમાં હાજર કેટલાક લોકોએ છોકરીઓને ડૂબતી જોઈ અને ગ્રામીણ પોલીસ અને SDRF ને જાણ કરી હતી. ડાઇવર્સે નદીમાંથી શોધખોળ કરીને ત્રણેય બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક પછી એક ત્રણ મૃતદેહો જોતા પરિવાર અને ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘરની ત્રણ દીકરીઓના અકાળે મૃત્યુથી રડી-રડીને પરિવારની હાલત ખરાબ છે. સમગ્ર પંથક શોકાતુર બન્યું છે.
મૃતક યુવતીઓના નામ : પૂજા સુશીલ પટેલ (18 વર્ષ), રીતુ સુશીલ પટેલ (14 વર્ષ), ધનેશ્વરી માંડુ પટેલ (11 વર્ષ)
ગ્રામજનોનો આક્ષેપ : દીકરીઓના મોત બાદ પરિવાર અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ બિલાસપુર કોરબા નેશનલ હાઈવે પર મૃતદેહને રાખીને રસ્તાને બ્લોક કરી દીધો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગેરકાયદેસર રેતી ખનનને કારણે નદીમાં અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. લોકોનો આરોપ છે કે આ ખાડાઓમાં ડૂબી જવાથી એક જ ઘરની ત્રણ દીકરીઓના મોત થયા છે. આ ઘટના પાછળ ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને ગેરકાયદેસર ખનીજચોરો જવાબદાર હોવાનો કોણી વિસ્તારના લોકોનો આક્ષેપ છે. અરપા નદીમાં ઉંડા ખાડાઓ પડી ગયા છે. તેથી રેતી માફિયાઓ અને ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.