હૈદરાબાદઃ વર્ષ 2023માં કુશ્તીના ખેલાડીઓનું વિરોધ પ્રદર્શન, કાવેરી જળ મુદ્દે વિરોધ પ્રદર્શ અને મરાઠા અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન એમ કુલ 3 મુખ્ય વિરોધ પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાંથી કેટલાક તો વર્ષોથી ચાલ્યા આવે છે. જેમકે મરાઠા અનામત અને કાવેરી જળ વિવાદ. કુશ્તી ખેલાડીઓનું વિરોધ પ્રદર્શન 2023માં શરુ થયું હતું. જેમાં મહિલા ખેલાડીઓએ પોતાના જ ફેડરેશનના અધ્યક્ષ પર આરોપ લગાડ્યા હતા.
કુશ્તી ખેલાડીઓનું વિરોધ પ્રદર્શનઃ વર્ષ 2023ની શરુઆત એક મોટા આંદોલનથી થઈ. જેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને અંશુ મલિક જેવા મહિલા ખેલાડીઓએ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જંતર મંતર પર ધરણાં યોજ્યા હતા. આ ખેલાડીઓએ સાંસદ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાડ્યા હતા. પોલીસ દ્વારા FIR ન નોંધતા આ ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટનું શરણું લીધું હતું. ત્યારબાદ કોર્ટના હુકમથી સાંસદ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.
જ્યારે કુશ્તી ખેલાડીઓનું વિરોધ પ્રદર્શન શરુ થયું ત્યારે બ્રિજભૂષણ સિંહ ફેડરેશનના અધ્યક્ષ હતા. મહિલા ખેલાડીઓએ અધ્યક્ષ પર ખોટી રીતે સ્પર્શ કરવાનો અને મરજી વિરુદ્ધ આલિંગનનો આરોપ લગાડ્યો હતો. અધ્યક્ષ પર ધમકી આપવાનો અને કુશ્તી સ્પર્ધામાંથી નામ હટાવી દેવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જાન્યુઆરી બાદ એપ્રિલમાં ફરીથી કુશ્તી ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યુ હતું. જાન્યુઆરી મહિનામાં સરકારે કાર્યવાહીની બાંહેધરી આપી હતી પરંતુ એપ્રિલ મહિના સુધી કોઈ કાર્યવાહી કરી નહીં. તેથી એપ્રિલમાં જંતર મંતર પર ફરીથી પ્રદર્શન શરુ થયું. ત્યારબાદ કોર્ટના હુકમથી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ અને પોક્સો એક્ટની કલમ પણ લાગી.
મહિલા કુશ્તી ખેલાડીઓએ નવા સંસદ ભવનના ઉદ્દઘાટનના દિવસે મહિલા મહાપંચાયત યોજવાની માંગ કરી હતી. જો કે 7 જૂનના રોજ મહિલા ખેલાડીઓ સાથે રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે મુલાકાત બાદ આ આંદોલન સમેટી લેવાયું.
કાવેરી જળ વિવાદઃ કાવેરી નદીના પાણીની ફાળવણી માટે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલ્યો આવે છે. સુપ્રીમ કોર્ટે આ વિવાદમાં આદેશ કર્યો ત્યારબાદ કર્ણાટક સરકારે તમિલનાડુ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો. જેનો વિરોધ કર્ણાટકના ખેડૂતોએ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં અનેક સ્થળો પર હિંસા થઈ હોવાના સમાચારો આવ્યા હતા. બેંગાલુરુ શહેર પર તેનો ખરાબ પ્રભાવ પડ્યો હતો. શાળા-કોલેજો, દુકાનો, મોલ્સ બંધ રાખવા પડ્યા. મોટી મોટી કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવું પડ્યું. તમિલનાડુના ત્રિચીમાં કર્ણાટક વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ પોતાના મોઢામાં મરેલા ઉંદર સાથે દેખાવો કર્યા હતા. થંજાવુર, થિરુવરુર અને નાગાપટ્ટિનમ વિસ્તારના ખેડૂતોએ તિરુવરુર રેલવે સ્ટેશનની ટ્રેનો રોકી દીધી હતી.
મરાઠા અનામત વિરોધ પ્રદર્શનઃ સમગ્ર મરાઠા સમુદાય માટે કુનબી પ્રમાણપત્રની માંગ સાથે મરાઠા વિરોધ પ્રરદર્શનની શરુઆત થઈ. આ આંદોલનમાં નેતા મનો જરગને પાટિલ હતા. તેમની માંગણી હતી કે દરેક મરાઠાને ઓબીસી માનવામાં આવે. તેમને અનામત આપવામાં આવે. 1 સપ્ટેમ્બરના રોજ પોલીસે વિરોધ કરતા લોકો પર લાઠી ચાર્જ કર્યો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. ત્યારબાદ આ આંદોલનની તીવ્રતા વધી ગઈ. 20થી વધુ સરકારી બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. સરકારે વિરોધ પ્રદર્શન કરનારાઓને આશ્વાસન આપ્યું કે આ મુદ્દે ફરીથી વિચાર કરવામાં આવશે. ત્યારે આંદોલન બંધ થયું. જો કે મરાઠીઓનો એક સમૂહ એવો છે કે જેને અનામત જોઈએ છે પરંતુ તેઓ ઓબીસી સમુદાયનો દરજ્જો લેવા તૈયાર નથી.