લખનૌ: ભારતીય જનતા પાર્ટી આજે મંગળવારે વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022) માટે લોક કલ્યાણ સંકલ્પ પત્ર (BJP Will Issue Lok Kalyan Sankalp Patra) બહાર પાડશે. ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા લોક કલ્યાણ સંકલ્પ પત્ર જારી કરવામાં આવશે.
મહાનુભવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી અનુરાગ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ.દિનેશ શર્મા, સંકલ્પ પત્ર સમિતિના પ્રમુખ સુરેશ ખન્ના અને અન્ય વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો રવિવારે રિલીઝ થવાનો હતો. પરંતુ ભારત રત્ન લતા મંગેશકરના અવસાનને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 2 દિવસના શોકનો આજે અંત આવશે, ત્યારબાદ મંગળવારે સવારે 10:30 કલાકે જાહેરનામાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ ત્રણ રાજ્યોની ચૂંટણીઓની જવાબદારી
ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં 1 મહિનાનો વિલંબ થયો
2017ના લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ભાજપે મુખ્યત્વે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. 2017માં ભાજપ સરકારની રચના થતાંની સાથે જ તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં લગભગ 85,00,000 ખેડૂતોની રૂપિયા 100000 સુધીની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાના મતદાનનો પ્રચાર પૂરો થયા બાદ ભાજપનો ચૂંટણી ઢંઢેરો આવી રહ્યો છે. 2017માં ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો 10 જાન્યુઆરીએ જ બહાર પાડવામાં આવ્યો હતો. આ રીતે 2022માં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં લગભગ 1 મહિનાનો વિલંબ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહત્વના મુદ્દાઓ રાખવામાં આવશે
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પહેલા જ કહી ચુક્યા છે કે, તેઓ ભાજપનો ઢંઢેરો જાહેર થયા બાદ જ તેમનો મેનિફેસ્ટો સાર્વજનિક કરશે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ વખતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, હિંદુત્વ, મહિલા સુરક્ષા, યુવાનોની વાત અને ખેડૂતોને લગતા મુદ્દાઓને મહત્વના રાખવામાં આવશે. આ સાથે શ્રી કૃષ્ણ જન્મભૂમિ કોરિડોરની પણ વાત થઈ શકે છે.