આ માર્ચમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, FTII, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ તમામ યુનિવર્સિટીઓ છેલ્લા એક મહિનાથી દેશભરમાં રોજગારી, સારા શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવા પ્રદર્શન કરી રહી છે. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સસ્તું શિક્ષણ, રોજગાર, ભેદભાવથી મુક્તિ અને વિચારની સ્વતંત્રતા રજૂ કરવાનો છે. તમને જણાવી દઈએ કે, આ સંસ્થાઓએ SSC, રેલવે ભરતી, પેપર લીક અને બેરોજગારી મુદ્દા પર સરકાર વિરુદ્ધ પણ પ્રદર્શન કર્યું છે.
આ વિરોધ પ્રદર્શનમાં ઘણા મોટા નેતાઓ પણ જોડાઈ શકે છે. જેમાં ગુજરાતથી પાટીદાર નેતા હર્દિક પટેલ, સ્વરાજ ભારતના યોગન્દ્ર યાદવ આવી શકે છે. નોંધનીય છે કે, આ પહેલા પણ છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેશના ઘણાં ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
મહત્વનું છે કે, તાજેતરમાં રાષ્ટ્રીય નમૂના સર્વે ઑફિસ (NSSO)એ રોજગાર અંગેના આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર, દેશમાં બેરોજગારીનું પ્રમાણ 45 વર્ષની ઉચ્ચ સપાટીએ છે. આંકડા અનુસાર, બેરોજગારીનો દર 6.1 ટકા છે. આ આંકડા પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. જોકે, કેન્દ્ર સરકારે આ આંકડાઓ ખોટાં હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિટલર શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલે લખ્યું હતું કે, 'The Fuhrer'ને દર વર્ષે 20 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 5 વર્ષ પછી ખબર પડી કે દેશ બરબાદ થઈ ગયો.