ન્યૂઝ ડેસ્કઃ લોકો જમીન પરના સૌથી વિશાળ કદના પ્રાણી હાથીના રક્ષણ તથા તેના જતનનું મહત્વ સમજે, તે હેતુથી દર વર્ષે વર્લ્ડ એલિફન્ટ ડે ઉજવવામાં આવે છે. લોકોને અને સંગઠનોને હાથી સામે રહેલા પડકારો વિશે જાણકારી પૂરી પાડવા આ દિવસ ઉજવાય છે. મોટાભાગે લોકો હાથી પ્રત્યે સ્નેહ દાખવતા આવ્યા છે, તેમ છતાં આ પ્રાણી વિલુપ્ત થવાના આરે આવીને ઊભું છે. હાથીની નબળી સ્થિતિ પાછળ તેમનો આડેધડ કરવામાં આવતો શિકાર અને તેમનું કુદરતી નિવાસસ્થાન છિનવાઇ ગયું હોવા ઉપરાંત આ ભવ્ય પ્રાણી સામે રહેલાં જોખમો પ્રત્યે લોકો દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતા પણ જવાબદાર છે.
ઇતિહાસ
2011માં બે કેનેડિયન ફિલ્મ સર્જક પેટ્રિસિયા સિમ્સ અને થાઇલેન્ડના એલિફન્ટ રિઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા 2011માં પ્રથમ વખત વિશ્વ હાથી દિવસ નિયત કરવામાં આવ્યો હતો અને તેની સૌપ્રથમ ઉજવણી 12મી ઓગસ્ટ, 2012ના રોજ કરવામાં આવી હતી. ફિલ્મ સ્ટાર અને સ્ટાર ટ્રેક લિજેન્ડ વિલિયમ શેટનર દ્વારા આ પહેલનું ઘણું સમર્થન કરવામાં આવ્યું, જેમણે કેદમાં રહેલા એશિયન હાથીઓના જંગલમાં પુનઃવસવાટ વિશેની 30 મિનિટની અદ્ભૂત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ – રિટર્ન ટુ ધી ફોરેસ્ટનું વર્ણન કર્યું.
પ્રથમ વર્લ્ડ એલિફન્ટ ડેનો ઉદ્દેશ વિશ્વભરના માનવ સમુદાયો તથા સંસ્કૃતિઓનું ધ્યાન આ જાજરમાન સજીવની દુર્દશા તરફ દોરવાનો હતો. તેમની આનંદિત અને બુદ્ધિશાળી પ્રકૃતિને કારણે, વિશ્વના જમીન પર વસતાં આ સૌથી વિશાળ પ્રાણીઓને દુનિયાભરમાં પ્રેમ કરવામાં આવે છે. પરંતુ, દુર્ભાગ્યે આ વિલક્ષણ જીવોના અસ્તિત્વ સામે ઘણા ખતરા ઊભા થયા છે.
વર્લ્ડ એલિફન્ટ ડેની ઊજવણી કેવી રીતે કરવામાં આવે છે?
જો સૌપ્રથમ કોઇ કામ આપણે કરી શકીએ તેમ હોય, તો તે છે, વિશ્વ હાથી દિન સંકલ્પ પર હસ્તાક્ષર કરવા. આ દસ્તાવેજના કારણે સરકાર પર તેમની નીતિઓ બદલવા માટે દબાણ લાવવા વિશ્વભરનાં અગણિત લોકો સાથે મળીને દબાણ ઊભું કરી શકીએ છીએ.
આ પ્રાણીઓ જે સમસ્યાઓનો સામનો કરે છે, તેને ઉજાગર કરવી જરૂરી છે અને સોશ્યલ મીડીયા આ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ દિવસે લોકો શિકારીઓ સામે હાથીઓનું રક્ષણ કરવા માટે અથવા તો તેમની જરૂરિયાતોને સાનુકૂળ હોય તેવાં બહેતર સ્થળોએ તેમનું પુનર્વસન કરવા માટે સમર્પિત એક ફાઉન્ડેશનમાં દાન કરે છે. સબ-સહારન આફ્રિકન દેશો તથા ભારતમાં, જ્યાં શહેરો વિસ્તરી રહ્યાં છે, ત્યાં વસ્તીવૃદ્ધિના દબાણને કારણે વર્તમાન સમયમાં આ પૈકીના ઘણા પ્રદેશો ખતરા હેઠળ છે.
હાથીઓની હત્યા અટકાવવા માટે 1997માં ટેન્થ કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ દ્વારા અપનાવાયેલા ઠરાવ 10.10 દ્વારા કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પિશીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા (CITES) દ્વારા MIKE (મોનિટરિંગ ધી ઇલિગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ – હાથીની ગેરકાયદે હત્યા પર દેખરેખ) કાર્યક્રમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. એશિયામાં MIKE કાર્યક્રમમાં ભાગ લેનારાં આશરે 28 સ્થળો 13 દેશોમાં વહેંચાયેલાં છે. તેમાંથી ભારતમાં 10 સ્થળો આવેલાં છે, ત્યાર બાદ કમ્બોડિયામાં બે સ્થળ, ઇન્ડોનેશિયામાં બે, લાઓ પીડીઆરમાં બે, મલયેશિયામાં બે, મ્યાનમારમાં બે, થાઇલેન્ડમાં બે, બાંગ્લાદેશમાં એક, ભુટાનમાં એક, ચીનમાં એક, નેપાળમાં એક, શ્રીલંકામાં એક અને વિએટનામમાં એક સ્થળ આવેલું છે.
હાથી સામેના મુખ્ય પડકારોઃ
- હાથી દાંતનો વેપાર
- તેમના કુદરતી નિવાસસ્થાનનું નિકંદન અને વિખંડન
- ગેરકાયદેસર શિકાર અને વેપાર
- માનવ અને હાથી વચ્ચે સંઘર્ષ
- બંધક બનાવેલા હાથીઓ સાથે દુર્વ્યવહાર
- હાથીની સવારી
આફ્રિકન તથા એશિયન હાથીઓ ઉપર જણાવેલાં જોખમોનો સામનો કરી રહ્યા છે. જોખમનો સામનો કરી રહેલી પ્રજાતિઓના IUCNના રેડ લિસ્ટમાં આફ્રિકન હાથીને ભેદ્ય (વલ્નરેબલ) તરીકે અને એશિયન હાથીને અસ્તિત્વ જોખમમાં હોય તેવી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
જોખમ સામેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ
- હાથી દાંતની બનાવટ ધરાવતા કોઇપણ ઉત્પાદનની ખરીદી કરવી જોઇએ નહીં અને શક્ય હોય ત્યાં સુધી આવા ઉત્પાદનની ખરીદી ટાળવી જોઇએ.
- પિયાનો, એન્ટિક, બંગડી અથવા અન્ય ઉત્પાદનો ખરીદતી વખતે હંમેશા એ સુનિશ્ચિત કરો કે, ઉત્પાદકે તે ઉત્પાદન બનાવવાની પ્રક્રિયામાં હાથી દાંતનો ઉપયોગ નથી કર્યો.
- ગેરકાયદે શિકાર અટકાવવા માટે અમલીકરણની નીતિઓમાં સુધારો કરવો.
- હાથી દાંતનો ગેરકાયદેસર વેપાર અટકાવવા માટેનાં પગલાંમાં સુધારો કરવો
- હાથીઓના કુદરતી નિવવાસસ્થાનનું સંરક્ષણ કરવું.
- કેદ કરાયેલા હાથીઓ સાથે બહેતર વ્યવહાર કરવો.
- વિશ્વભરમાં આવેલાં અભયારણ્યોનું રક્ષણ કરવું તે હાથીના સંરક્ષણ માટેનાં ઘણાં સંગઠનોનું લક્ષ્ય છે.
- કોવિડના સમયમાં હાથીનો સંઘર્ષ
લોકડાઉન લાગુ થયું, ત્યારથી દેશભરના બંધનમાં રખાયેલા હાથી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ મહામારીએ ખાનગી સ્તરે બંધનમાં રાખવામાં આવતા હાથીની આડેધડ અને વ્યાવસાયિક વ્યવસ્થા પર પ્રકાશ પાડ્યો છે. મોટાભાગના હાથીઓનો ઉપયોગ કાં તો ધાર્મિક સંસ્થાઓમાં આશીર્વાદ મેળવવા માટે અથવા તો પ્રવાસીઓને સવારી કરાવવા માટે થાય છે. જ્યારે આ બંને હેતુઓ સર ન થાય, ત્યારે હાથીઓએ ભૂખમરાનો સામનો કરવો પડે છે.
જ્યારથી લોકડાઉન લાગુ થયું, ત્યારથી સોશ્યલ મીડીયા પર ઘણા અહેવાલો વહેતા થયા છે અને ભૂખે મરી રહેલા હાથીઓને આહાર આપવા માટે દાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. તેના કેટલાંક દ્રષ્ટાંતો આ પ્રમાણે છેઃ
કર્ણાટકમાં એક મહાવતે કેમેરા સામે જણાવ્યું હતું કે, લોકડાઉન લાગુ થયું ત્યારથી તેના 55 વર્ષના બંધક હાથીને ભોજન મળ્યું નથી.
મુઢોલ જિલ્લાના એક મંદિરનો હાથી છેલ્લાં 40 વર્ષથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતા ગોળ, શેરડી, ફળો અને અનાજ પર નભી રહ્યો હતો. પરંતુ લોકડાઉન લાગુ થતાં હાથીને મંદિરની બહાર નીકાળી શકાતો નથી અને મંદિરમાં ઘાસચારો પૂરો થઇ ગયો છે.
ગોવાના જંગલ બુક રિઝોર્ટના માલિક જોસેફ બર્રેટો પાસે પાંચ હાથી છે, જેમનો ઉપયોગ પ્રવાસીઓની સવારી માટે તથા તેમના પર ‘વર્ષા’ કરવા માટે કરવામાં આવે છે. જોસેફે તેમના ‘ભૂખે મરી રહેલા હાથીઓ’ માટે દાનની માગણી કરતો વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો.
રાજસ્થાનમાં જયપુરના આમેર ગઢમાં પ્રવાસીઓની સવારી માટે ઓછામાં ઓછા સો હાથી વપરાય છે. આ હાથીના માલિકોએ પણ આવકની તંગી વિશે ફરિયાદ કરી હતી. જેના કારણે તેઓ તેમના હાથી માટે ઘાસચારો મેળવી શક્યા ન હતા. તે જ રીતે, કર્ણાટકની ધાર્મિક સંસ્થાઓમાં તથા કેરળમાં વ્યક્તિગત માલિકો દ્વારા રાખવામાં આવતા હાથીની જાળવણી માટે માલિકો મદદ માગી રહ્યા છે.
ભારતમાં પ્રવાસીઓ જયપુરના આમેર ગઢમાં હાથી પર સવારી કરે છે, કેરળમાં કેદ હાથીઓ પ્રદર્શિત કરવામાં આવે છે તેમજ નેશનલ પાર્ક્સમાં એલિફન્ટ સફારીનું આયોજન કરવામાં આવે છે. દેશમાં આશરે 3500 જેટલા બંધક હાથી છે. ટુરિસ્ટ રાઇડ્ઝને કારણે હાથીઓએ પીડા વેઠવી પડે છે, તેમની સાથે ઉગ્ર વ્યવહાર કરવામાં આવે છે અને તેમનું અયોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે. જ્યારે સવારી ન મળે અથવા તો કામ ન હોય, ત્યારે હાથીઓને દિવસ-રાત ચેઇન વડે બાંધી રાખવામાં આવે છે અને મોટાભાગે ચેઇન ત્રણ મીટર કરતાં પણ ઓછી લાંબી હોય છે. વળી, તેમને અત્યંત હલકી ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવે છે, પશુ ચિકિત્સા સંબંધિત મર્યાદિત કાળજી રાખવામાં આવે છે અને મોટાભાગે તેમને ઘોંઘાટભર્યું મ્યુઝિક વાગતું હોય, તેની નજીકના તણાવગ્રસ્ત સ્થળ પર, માર્ગ નજીક અથવા તો મુલાકાતીઓના જૂથ નજીક કોંક્રિટની ભોંય પર રાખવામાં આવે છે. ભારત, થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળ, લાઓસ અને કમ્બોડિયા સહિતના દેશોમાં પ્રવાસીઓ માટેનાં મનોરંજન સ્થળોએ લગભગ 77 ટકા જેટલા હાથીઓ સાથે ભયાનક વ્યવહાર કરવામાં આવે છે.
હાથી અને ઇકોસિસ્ટમ
હાથી ‘મુખ્ય પ્રજાતિ’ ગણાય છે, જે અતિ મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ સેવા પૂરી પાડે છે, જે સમુદાયની અન્ય પ્રજાતિઓના અસ્તિત્વ માટે અત્યંત અગત્યતા ધરાવે છે.
દુકાળના સમયમાં હાથી વોટરિંગ હોલ તૈયાર કરે છે – વિશ્વભરના ઘણા પ્રદેશો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. તીવ્ર દુકાળના આ સમયગાળા દરમિયાન હાથી ભૂગર્ભમાં પાણી મળી આવવાની શક્યતા ધરાવતા ક્ષેત્રો શોધવા માટે તેમની સૂંઝનો ઉપયોગ કરે છે.
હાથી બીજનો પ્રસાર કરે છે- તેઓ ઘણી વનસ્પતિનું તેમનાં બીજ સાથે સેવન કરે છે અને પછી વિચરણ કરવા દરમિયાન તેમના છાણ થકી તે બીજનો પ્રસાર કરે છે. આ બીજના કારણે નવી વનસ્પતિ, ઘાસ અને ઝાડી ઉગે છે.
હાથી નવો માર્ગ બનાવે છે- હાથી કાંટાળાં ઝાડી-ઝાંખરાને કચડી નાંખે છે અને ઉખાડી નાંખે છે, જેનાથી નાનાં પ્રાણીઓ માટે સલામત માર્ગ બનવામાં મદદ મળી રહે છે.
હાથી ખોરાક પૂરો પાડે છે- હાથી રોજ 15 કરતાં વધુ વખત શૌચક્રિયા કરે છે, તેમના છાણ પર અનેક પ્રજાતિઓ નભે છે. હાથીના તાજા છાણની આસપાસ અસંખ્ય જીવ-જંતુઓ જમા થઇ જાય છે અને તેને આરોગે છે. ત્યાર બાદ આ જીવ-જંતુઓ પક્ષીઓનો ખોરાક બને છે.
હાથી આશ્રય પૂરો પાડે છે- સૂકા કાળ દરમિયાન હાથી માર્ગને પાણી, કાદવથી ભરી દે છે, જે દેડકાં માટે ઇંડાં મૂકવા માટે અને દેડકાંનાં બચ્ચાં માટે વિકાસ સાધવા માટે આદર્શ સ્થિતિનું નિર્માણ કરે છે.
હાથી નૈસર્ગિક સોલ્ટ લિક (એવું સ્થાન, જ્યાં પ્રાણીઓ મીઠું ધરાવતી જમીનને ચાટવા માટે એકત્રિત થાય છે) શોધવામાં મદદરૂપ બને છે- હાથી સૂંઘવાની તીવ્ર શક્તિ ધરાવે છે અને તેઓ જમીનમાં ખનીજોની ભરપૂર માત્રા ધરાવતા ભાગો શોધવા માટે તેમની સૂંઢનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ તેઓ તે ખનીજો આરોગવા માટે તેમના દંતશૂળ વડે જમીન ખોદે છે. ત્યાર બાદ અન્ય શાકાહારી પ્રાણીઓ શરીરની ખનીજ તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે હાથીએ ખોદેલી જમીનમાંથી ખનીજ પ્રાપ્ત કરે છે.
હાથી સુંદર, નમ્ર સ્વભાવનું પ્રાણી છે અને વર્તમાન સમયમાં તે જમીન પરનું સૌથી વિશાળકાય પ્રાણી છે. હાથીની યાદશક્તિ અત્યંત તીવ્ર હોય છે, તે કદી પણ ભૂલતો નથી, તેની આ લાક્ષણિકતા સૂચવે છે કે, હાથી અત્યંત બુદ્ધિશાળી હોય છે. હાથીને આપણી જરૂર નથી, આપણને હાથીની જરૂર છે. આથી, હાથીનું રક્ષણ કરવાની પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે.
ધી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ
હાથી વાઘ જેવો જ સમાન દરજ્જો ધરાવે છે અને 2019માં તેને રાષ્ટ્રીય ધરોહર પ્રાણી (નેશનલ હેરિટેજ એનિમિલ) જાહેર કરવામાં આવ્યું હતું. 2002માં સુધારવામાં આવેલા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સુરક્ષા અધિનિયમ), 1972 હેઠળ વન વિભાગમાં નોંધણી ન ધરાવનારા બંધક હાથીઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અધિનિયમના ચાવીરૂપ મુદ્દા નીચે મુજબ છેઃ
વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972ની કલમ 40 (2) હેઠળ અનુસૂચિ-1 પ્રાણી તરીકે, ડબલ્યુપીએ, 1972 હેઠળ અધિકૃત અધિકારી અથવા તો ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની લેખિત પરવાનગી વિના કોઇપણ બંધક હાથી ધરાવવો, તે મેળવવો, તેનું વેચાણ કરવા પર કે તેનું સ્થાનાંતર કરવા પર પ્રતિબંધ છે.
વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972ની કલમ 43 નાણાંકીય હેતુ માટે અથવા અન્ય કોઇપણ નફાકારક લાભ માટે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે બંધક હાથીનું વેચાણ કરવા પર, તેની ખરીદી કરવા પર કે તેનું સ્થાનાંતર કરવા પર પ્રતિબંધ ફરમાવે છે.
કલમ 40, પેટા કલમ (2A): વન્યજીવ (સુરક્ષા) સુધારાયુક્ત અધિનિયમ, 2002 લાગુ થયા બાદ માલિકીનું પ્રમાણ ધરાવનારી વ્યક્તિ સિવાયની અન્ય કોઇપણ વ્યક્તિ વારસાગત માર્ગના અપવાદને બાદ કરતાં અન્ય કોઇપણ રીતે અનુસૂચિ-1 અથવા અનુસૂચિ-2ના ભાગ-2માં નિર્દિષ્ટ કરેલા કોઇપણ બંધક પ્રાણી, પ્રાણીની ચીજવસ્તુ કે તેની ટ્રોફી તેના નિયંત્રણમાં, તેના કબ્જામાં રાખી શકશે નહીં, ધરાવી શકશે નહીં, કે મેળવી શકશે નહીં.
કલમ 40, પેટા કલમ (2B): કોઇપણ બંધક પ્રાણી, પ્રાણીની ચીજવસ્તુ કે ટ્રોફીને વારસામાં મેળવનારી પ્રત્યેક વ્યક્તિએ પેટા કલમ (2B) હેઠળ હેઠળ આવો વારસો મળ્યાના 90 દિવસની અંદર ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અથવા તો અધિકૃત અધિકારી સમક્ષ ડેક્લેરેશન (ઘોષણાપત્ર) કરવાનું રહેશે અને કલમ 41 અને કલમ 42ની જોગવાઇઓ ડેક્લેરેશન કલમ 40ની પેટા કલમ (1) હેઠળ કરવામાં આવ્યું હોય, તે રીતે લાગુ થશે.