શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે બુધવારે વધુ એક 65 વર્ષીય મહિલાનું મોત થયા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહામારીના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 4 થઇ છે. ડૉક્ટરોએ કહ્યું કે, ઉધમપુર જિલ્લાની એક 65 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જમ્મુના સરકારી મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે, બુધવારે મહિલાનું મોત થયું છે. તેમનામાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટી થઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાઇરસના કારણે 4 લોકોનાં મોત થયાં છે અને જમ્મુ વિસ્તારમાં આ પ્રથમ મોત છે. ડૉક્ટરોએ કહ્યું કે, પ્રોટોકોલ અને નિર્ધારિત નિયમો અને ઔપચારિકતાઓને પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં 4 મોત સાથે સંક્રમણના કુલ 159 કેસ સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે એક દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ 34 નવા સંક્રમિતના કેસ સામે આવ્યા છે.
સારવાર બાદ 6 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા છે, જ્યારે 4ના મોત થયાં છે. આ પ્રકારે જમ્મુ-કાશ્મીરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 149 છે. જેમાં 27 જમ્મુ અને 122 કાશ્મીર વિસ્તારના છે.