આ સંસ્થાના નામના ઉલ્લેખ માત્રથી ભ્રષ્ટ, ત્રાસવાદીઓ અને અપરાધીઓ થરથર કાંપી ઊઠે છે. આ સંગઠન ભારતનું નથી, પરંતુ અમેરિકાનું છે. અને તેનું નામ છે, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI). આપણા દેશમાં આવા જ નામવાળી તપાસ સંસ્થા છે પરંતુ સામ્યતા આટલા પૂરતી જ છે. એવી ટીકા થાય છે કે, આ સંસ્થા જેનું નામ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) છે તે શાસક પક્ષના હાથની કઠપૂતળી છે. એવા આક્ષેપો છે કે, શાસક પક્ષ વિપક્ષોમાં ભય ફેલાવવા તેનો ઉપયોગ કરે છે.
હકીકતે, CBIની પરિસ્થિતિ મૃત્યુશૈયા પર રહેલા ભીષ્મ જેવી છે. સર્વોચ્ચ ન્યાયાલયના સ્થગન આદેશના કારણે તે હજૂ કાર્યરત રહી શકી છે. 6 વર્ષ પહેલાં ગૌહતી ઉચ્ચ ન્યાયાલયે આપેલા આદેશના લીધે CBI મૃત્યુના આરે પહોંચી ગઈ હતી. 6 નવેમ્બર 2013ના રોજ, ગૌહતી ઉચ્ચ ન્યાયાલયે CBI જે ગેરબંધારણીય રીતે સ્થપાઈ હતી તે ઠરાવને નિરસ્ત ઠેરવ્યો હતો. જો કોઈ પણ ઉચ્ચ ન્યાયાલય કોઈ સંગઠનને કે ખરડાને ગેરબંધારણીય ઠેરવે તો તે નિયમ રાષ્ટ્રભરમાં લાગુ પડે છે.
ગૌહતી ઉચ્ચ ન્યાયલયનો આદેશ કેન્દ્ર સરકાર માટે ફટકારૂપ હતો, જેણે CBIને હજારો કેસ ફાળવી દીધા હતા અને તે સુનિશ્ચિત કરવા માગતી હતી કે, તેમાંના મોટા ભાગનાને સજા મળે. તેણે તરત જ પૂર્વ એટર્ની જનરલ ગુલામ વહાણવટીને સર્વોચ્ચ ન્યાયાલયના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ પી.સથાશિવમ પાસે મોકલી આપ્યા. સર્વોચ્ચ ન્યાયાલય ત્યારે વેકેશન ચાલતું હોવાથી બંધ હતું, તેથી વહાણવટી મુખ્ય ન્યાયમૂર્તિને તેમના નિવાસસ્થાને મળ્યા. ન્યાયમૂર્તિ સથાશિવમ જે કેસની ગંભીરતા સમજ્યા તેમણે તેમના નિવાસસ્થાને જ કેસની સુનાવણી કરી અને ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર સ્થગન આદેશ આપી દીધો. આ બનાવને છ વર્ષ વિતી ગયાં છે અને CBI હજૂ પણ સર્વોચ્ચ ન્યાયાલયના સ્થગન આદેશના કારણે જીવતી છે. ગૌહતી ઉચ્ચ ન્યાયાલયના આદેશના કેટલાક મહિનાઓ પહેલાં, સર્વોચ્ચ ન્યાયાલયે સીબીઆઈને પાંજરે પુરાયેલા પોપટ ગણાવી હતી પરંતુ પછી તેને ધ્યાનમાં આવ્યું હતું કે, જ્યાં સુધી અસરકારક વિકલ્પ સ્થાપિત ન થાય ત્યાં સુધી તે કાર્યરત રહેવી જોઈએ.
ગૌહતી ઉચ્ચ ન્યાયલયે નવેન્દ્રકુમારની અરજી પર ચુકાદો આપ્યો કે સીબીઆઈ ગેરબંધારણીય છે. નવેન્દ્રકુમારની સામેના કેસો માટે CBI તેમની તપાસ કરી રહી હતી અને તેમણે સંગઠનના બંધારણને પડકાર્યું હતું. તેમણે રિટ પિટિશનમાં કહ્યું હતું કે, CBI બંધારણીય અંગ નથી કારણ કે, તે માત્ર સરકારના સાદા ઠરાવથી રચાયેલી છે. તેમણે દલીલ કરી હતી કે, CBIને ધરપકડ કરવા, દરોડા પાડવા કે આરોપપત્રો દાખલ કરવા કોઈ સત્તા નથી.
તાજેતરની લોકસભા ચૂંટણી પહેલાં CBIના ટોચના અધિકારીઓ વચ્ચે ઝઘડા અને અનેક સરકારોએ CBIનો પ્રવેશ તેમનાં સંબંધિત રાજ્યોમાં અટકાવતા કરેલા ઠરાવ આ કેન્દ્રીય સંસ્થાના નબળા પાયા બતાવે છે. તાજેતરમાં CBIના ટોચના બૉસ ગણાતા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એકબીજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. કેટલાક અધિકારીઓ લાંચ લેતાં પકડાયા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરતી એક ટીમની અડધી રાત્રે બદલી કરી દેવાઈ હતી. આ બધા બનાવોએ CBIની છબી ખરડી છે. વિરોધીઓ સામે CBIનો હથિયાર તરીકે ઉપયોગ એક પરંપરા જેવો બની ગયો છે અને ન્યાયાલયને સમયે સમયે હસ્તક્ષેપ કરવાની ફરજ પડે છે.
CBIનો ઇતિહાસ અહીં ઉલ્લેખવો જરૂરી છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજે વિશેષ પોલીસ સ્થાપના (SPE) રચવા માટે વિશેષ વટહુકમ બહાર પાડ્યો હતો. જે બાદમાં CBI બની ગઈ. વિશેષ વટહુકમના સ્થાને 1946માં દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ લાવવામાં આવ્યો. શરૂઆતમાં SPE માત્ર પીવાના પાણી પૂરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર અને લાંચની તપાસ માટે જ હતી. બાદમાં SPEનું વર્તુળ મોટું કરી તેમાં સરકારના તમામ વિભાગો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરાયો.
1963માં, ગૃહ ખાતાએ CBIની રચના માટે એક ઠરાવ કર્યો. DSPEની કલમ 6 કહે છે કે, રાજ્યમાં તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. CBI કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારનાં સંગઠનોમાં તપાસ કરી શકે છે. તે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોએ આપેલા આદેશો પર તપાસ કરી શકે છે. પરંતુ સંબંધિત રાજ્યોમાં તપાસ માટે રાજ્ય સરકારોની સંમતિ જરૂરી છે.
ગૌહતી ઉચ્ચ ન્યાયલયે આદેશ આપ્યો કે ગૃહ ખાતાનો 1963નો ઠરાવ ગેરબંધારણીય છે. તેનું કારણ એ કે, આ ઠરાવ કેન્દ્રીય કાયદા કે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા પસાર કરાયો નથી. આમ કહીને ઉચ્ચ ન્યાયાલયે 1946ના DSPE અધિનિયમને અમાન્ય ઠરાવ્યો નથી. ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે CBI DSPE અધિનિયમનો ભાગ નહોતી અને આથી તેને DSPE હેઠળ રચાયેલું પોલીસ દળ ગણી શકાય નહીં.
1963ના ઠરાવથી CBIની સ્થાપના અસ્થાયી ધોરણે થઈ હતી. તેણે સમજાવ્યું કે, જ્યાં સુધી CBIની સ્થાપના માટે કાયદો ન ઘડાય ત્યાં સુધી આ ઠરાવ કેટલીક મર્યાદાઓ સાથે લાગુ પડે છે. વર્ષ 2017માં, એક સંસદીય સમિતિએ સૂચવ્યું કે, આ ગૂંચવણ દૂર કરવા વિશેષ અધિનિયમ બનાવવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ગુનાઓ ઉપરાંત ત્રાસવાદ અને માફિયા સંબંધિત અપરાધોની તપાસ કરવા માટે માત્ર CBI પાસે જ જરૂરી નિપુણતા છે. પરંતુ સંસ્થાને અપાયેલી સત્તાઓ DSPE અધિનિયમ હેઠળ મર્યાદિત છે.
સંસદીય સમિતિએ સૂચવ્યું કે, CBIને એક વિશેષ કાયદા મારફતે સ્વાયત્ત સંસ્થા બનાવવી જોઈએ. તેના જવાબમાં કર્મચારીગણ અને પ્રશિક્ષણ ખાતાએ કહ્યું કે, આવા વિશેષ કાયદાઓ બનાવવા માટે બંધારણીય સુધારાઓ જરૂરી છે. લોક વ્યવસ્થા અને પોલીસ રાજ્યની સૂચિ હેઠળ હોવાથી સંસદ ખરડો પસાર કરી ન શકે. તેણે કહ્યું કે, આવો કાયદો બંધારણને જોખમ રૂપ હશે. સંસદીય સમિતિએ ભલામણ કરી કે, તેમના અહેવાલમાં તેમણે આશંકાઓ પર સ્પષ્ટતા કરી છે અને CBI માટે વિશેષ કાયદો બનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેણે વધુમાં સૂચના આપી કે, CBIને FBIની જેમ જ સમાન દરજ્જો આપવો જોઈએ. તે સ્વાયત્ત રીતે કામ કરી શકે તે માટે આવો દરજ્જો મહત્ત્વનો છે.
જો CBIને વિશેષ સત્તાઓ આપવામાં આવે તો ભારતની સંઘીય ભાવનાને ખલેલ પડે છે. પરંતુ તેને બંધારણીય પણ બનાવવી જોઈએ. સંઘીય ભાવનાને હાનિ પહોંચાડ્યા વગર, CBIને ત્રાસવાદી અને ઉચ્ચ ટૅક્નૉલૉજીવાળા આ અપરાધોની તપાસ કરવા માટે સત્તા અને જોગવાઈઓ આપવી જ જોઈએ. ત્રાસવાદ, જાસૂસી, ડ્રગ અને માનવ તસકરી, કાળા નાણાં સફેદ કરવાં અને બનાવટી નોટોથી રાષ્ટ્રીય સુરક્ષાનો વિનાશ થાય છે. આ ગુનાઓને USAમાં સંઘીય અપરાધો તરીકે ગણવામાં આવ્યા છે. આથી FBI આવા કોઈ પણ સંઘીય ગુનાની તપાસ કરી શકે છે. બદલાતા સંજોગોમાં, ભારતે પણ આવા અપરાધોને શ્રેણીકૃત કરવા જોઈએ. અત્યારે આવી કોઈ શ્રેણી ન હોવાથી, CBI સ્વાયત્ત રીતે તપાસ કરવા અક્ષમ છે.
સંઘીય બનાવ બને તેવા સંજોગોમાં, રાજ્ય સરકારો ખૂબ જ વિલંબ કરે છે અને છેલ્લા ઉપાય તરીકે જ CBIને સોંપે છે. ત્યાં સુધીમાં મહત્ત્વનો સમય વિતી ગયો હોય છે. જો વિશેષ કાયદો ન બનાવાય તો CBIનું વિસ્તરણ અશક્ય છે. આવો કાયદો પસાર કરવા માટે, રાજકીય વર્તુળોમાં સર્વસંમતિ હોવી અનિવાર્ય છે. સંઘીય અપરાધોની તપાસમાં વિશેષ સત્તાનો રાજકીય પક્ષો અને રાજ્ય સરકારો દ્વારા દુરુપયોગ નહીં થાય તેવું વચન આપીને ઘડવાની પ્રક્રિયા શરૂ થવી જ જોઈએ.
1997ના હવાલા કૌભાંડની સુનાવણી વખતે સર્વોચ્ચ ન્યાયાલયે ચેતણી આપી હતી કે, રાજકીય રીતે કે સરકારી રીતે CBIની બાબતોમાં એક પણ વ્યક્તિએ દખલ ન કરવી જોઈએ. સંસદીય સમિતિએ પણ તેનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે ભારપૂર્વક કહ્યું હતું કે, CBI ત્રાસવાદ અને ઉચ્ચ ટૅક્નૉલૉજીવાળા અપરાધોની અસરકારક તપાસ કરી શકે તે માટે CBI દખલથી મુક્ત હોવી જોઈએ. CBIને FBI જેવી સ્વતંત્રતા, સુવિધાઓ કે કાનૂની સત્તા નથી. એફબીઆઈની બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન તરીકે 1908માં સ્થાપના થઈ હતી અને તેના માટે વિશેષ કાયદો બનાવાયો હતો. આ કાયદા હેઠળ, અમેરિકાના પ્રમુખે એકલ દસ વર્ષની મુદ્દત માટે FBI નિયામકની નિમણૂંક કરી હતી અને સેનેટે તેને મંજૂરી આપી હતી. તાજેતરના બનાવો CBI માટે આવી જોગવાઈની માગણી કરે છે. USએ દેશભક્ત અધિનિયમ 2001 હેઠળ, FBIને ફૉન કૉલ ટેપ કરવા અને ઇન્ટરનેટ પ્રવૃત્તિઓ પર નજર રાખવા સત્તા આપવામાં આવી છે. જો કંઈ શંકા હોય તો FBI નાગરિકોની સંમતિ વગર તેમનાં ઘરો પર અને કાર્યાલયો પર દરોડા પાડી શકે છે. કોઈ પણ સંગઠનને પહેલાથી નૉટિસ આપવાની જરૂર નથી. આ જ રીતે બૅન્કો અને આર્થિક સંગઠનો પાસેથી ન્યાયાલયોની સંમતિ વગર મહત્ત્વની માહિતી માગી શકાય છે. અનિયંત્રિત આર્થિક અપરાધોના સમયમાં, FBI તેને સોંપાયેલી સત્તાઓનો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે.