નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રને ઓનલાઈન સંબોધિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ મહામારીના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને કોરોના વાઇરસ મહામારીને લઇને સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પર પ્રશ્નો ઉભા કર્યા છે. PM મોદીએ કહ્યું કે, ગત 8-9 મહિનાથી વિશ્વ વૈશ્વિક મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી પ્રતિક્રિયા ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયાઓમાં, વ્યવસ્થાઓમાં બદલાવ, સ્વરૂપમાં બદલાવ, આજે સમયની માગ છે. PMએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક દેશના રૂપે આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાશન આપવા માગુ છું. ભારતની વેક્સીન ઉત્પાદકતા અને વેક્સીન વિતરણ ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટમાંથી બહાર કાઢવામાટે કામ આવશે.
તેમણે કહ્યું કે, મહામારીના આ મુશ્કેલ સમયમાં પણ ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીએ 150થી વધુ દેશોને જરૂરી દવાઓ મોકલવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના સુધારાને લઇને જે પ્રક્રિયા ચાલી રહી છે, ભારતીય તે પ્રક્રિયા પૂર્ણ થવાના સમયની રાહ જોઈ રહ્યાં છે. ભારતના લોકો ચિંતિત છે કે, શું આ પ્રક્રિયા તાર્કિક અંત સુધી પહોંચી શકશે. ક્યાં સુધી ભારતને સંયુક્ત રાષ્ટ્રની ડિસીઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે.