ફિલ્મ જોવાની એક નવી દુનિયામાં આપનું સ્વાગત છે. આ દુનિયા 15 જૂન અને 15 જુલાઇની વચ્ચે કોઇપણ સમયે આકાર પામી શકે છે. આ સમયગાળામાં રોહિત શેટ્ટીની રૂ. 135 કરોડના બજેટની અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંઘને ચમકાવતી સૂર્યવંશી, કબીર ખાનની રણવીર સિંઘને કપિલ દેવ તરીકે ચમકાવતી રૂ. 125 કરોડનું બજેટ ધરાવતી 83 અને સલમાન ખાન અભિનિત યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ જેવી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. કેટલાક ફિલ્મ સર્જકો એટલા અધીરા થયા છે, કે તેઓ તેમની ફિલ્મો સીધી જ OTT પર રિલીઝ કરી દેવા માટે તૈયાર છે, જેને પગલે દેશભરમાં 620 કરતાં વધુ સ્ક્રીન્સ ધરાવતા આઇનોક્સ લેઝરે આ સપ્તાહે આ નિર્ણય અંગે ઘણી તીવ્ર પ્રતિક્રિયા આપી છે. OTT પર વૈશ્વિક પ્રિમીયરની ગતિવિધિ શરૂ કરનાર ફિલ્મ ગુલાબો સિતાબોના પ્રોડ્યુસરને જેનો વિશ્વાસ ન કરી શકાય તેવી વ્યક્તિ ગણાવવામાં આવ્યા છે. તો, બીજી તરફ, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ઇન્શ્યોરન્સનો અભાવ, થિયેટરો ખુલવા મામલે પ્રવર્તતી અનિશ્ચિતતા, ધિરાણ પર સતત વધી રહેલું વ્યાજ અને વપરાયા વિનાના અથવા તો ખાલીખમ સેટ પાછળ ડૂબેલાં નાણાંને આ નિર્ણય માટે જવાબદાર ઠેરવીને સમાન રોષ સાથે તીખી પ્રતિક્રિયા આપી છે.
દેશમાં કુલ 9,000માંથી 850 સ્ક્રીન્સ પર નિયંત્રણ ધરાવતા પીવીઆરના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર અજય બીજલીએ આ વિવાદમાં ઊતરવાનો ઇનકાર કરીને તેને બદલે ફિલ્મોના જાદૂ વિશે વાત કરી હતી. "આ કોઇ માળખાકીય પરિવર્તન નહીં, બલ્કે એક પ્રકારનું વિચલન છે. કોઇ પણ નિર્માતા મોટી સ્ક્રીન પરના અનુભવ સામે સ્ટ્રિમીંગ સેવાઓને પ્રાથમિકતા આપવાનું પસંદ કરશે નહીં. આખરે તો, આજે પણ ફિલ્મની 45 ટકા આવક થિયેટરોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે બાકીની આવક બ્રોડકાસ્ટ અને ડિજિટલ રાઇટ્સમાં વિભાજિત થઇ જાય છે.”
બોક્સ ઓફિસનો દબદબો હજી પણ યથાવત્ છે, પરંતુ ઘણા ફિલ્મ સર્જકો માને છે કે, મોટી સ્ક્રીન માટે નાની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ અંત તરફ ધકેલાઇ રહ્યો છે. કોરોના પછીની દુનિયા સ્પષ્ટપણે વિભાજિત થઇ જશે, મોટી ભારતીય ફિલ્મો સ્ક્રીન માટે, તેમાં કુલ ભારતીય બોક્સ ઓફિસમાં ડબ થયેલી હોલિવૂડની ફિલ્મોનું યોગદાન 10 ટકા અને નાની ફિલ્મો તથા લાંબુ સ્વરૂપ ધરાવતી સિરીઝ સ્ટ્રિમીંગ પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે. તેમાં બંને પ્રકારની ફિલ્મો બનાવી શકનારા સર્જકો તો ખુશ-ખુશ થઇ ગયા છે. જેમકે, અનુ મેનનનો દાખલો લઇએ. તેમણે એમેઝોન પ્રાઇમની ફોર મોર શોટ્સની પ્રથમ સિઝન ડાયરેક્ટ કરી હતી અને તેઓ વિદ્યા બાલનને ચમકાવતી શકુંતલા દેવીનાં પણ ડિરેક્ટર છે. મોટી સ્ક્રીન માટે બનાવાયેલી આ ફિલ્મ હવે એમેઝોન પ્રાઇમ પર (પેંગ્વિનમાં કીર્તિ સુરેશ, પોનમગલ વંધાલમાં જ્યોતિકા અને સુફીયમ સુજાતાયમમા અદિતી રાવ હૈદરીને ચમકાવતી શ્રેણીબદ્ધ પ્રાદેશિક ભાષાની ફિલ્મો સાથે) દર્શાવાઇ રહી છે. "એક સિરીઝ અને એક ફિલ્મમાં સ્ટોરીટેલિંગની તદ્દન ભિન્ન રિધમ હોય છે, પરંતુ હું એક સ્ટોરીટેલર છું. હું માધ્યમની પરવા કર્યા વિના મારી વાર્તા કેવી રીતે શ્રેષ્ઠપણે દર્શાવી શકું, તેના પર ધ્યાન આપું છું." આ કપરા કાળમાં તેમની ફિલ્મ 200 દેશોના વ્યાપક ઓડિયન્સ સુધી પહોંચી રહી છે, તે અંગે તેઓ અત્યંત રોમાંચ અનુભવે છે. તેઓ જણાવે છેઃ "આ ફિલ્મ તમામ વિપરિતતાઓ સામે લડીને પણ પૂરા ઉત્સાહ સાથે જીવન જીવતી મહિલા વિશે છે. આ એક માતા અને પુત્રીની સુંદર વાર્તા છે, લોકોને તેમના પરિવાર સાથે બેસીને જોવી ગમે, તેવી આ વાર્તા છે."
બીજો એક મોટો સવાલ એ છે કે, શૂટિંગ ક્યારથી શરૂ કરી શકાય અને કેવી રીતે? કાસ્ટ અને અન્ય સ્ટાફનું રક્ષણ કરવા માટે સ્વચ્છતા અને સલામતીનાં પગલાં હાથ ધરવાં જરૂરી બની રહે છે. ઘણી ફિલ્મો લગભગ પૂરી થઇ ગઇ છે, અડધી પૂરી થઇ ગઇ છે અથવા તો હજી તો શરૂ જ થવાની હતી. આમીર ખાન સાથે ફોરેસ્ટ ગમ્પની રિમેક – લાલ સિંઘ ચઢ્ઢા બનાવી રહેલા અદ્વૈત ચંદન જણાવે છે કે તેમના કલાકારો ઉપલબ્ધ હતા અને શૂટિંગ સુપેરે ચાલી રહ્યું હતું તથા દિલ્હી અને મુંબઇનું કેટલુંક શૂટિંગ બાકી હતું. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવાનું આયોજન હતું. ફિલ્મમાં હજી VFXનું ઘણું કામ બાકી હોવા છતાં અદ્વૈતને આશા છે કે તેઓ સમયસર ફિલ્મ પૂરી કરી દેશે. દિબાકર બેનર્જીએ એક કાશ્મીરી પરિવારની ત્રણ પેઢી ઉપર આધારિત ફિલ્મ નેટફ્લિક્સ માટે બનાવી છે, જેનું એક દિવસનું શૂટિંગ બાકી રહી ગયું છે. તો, અનુરાગ કશ્યપે બનાવેલી લવ સ્ટોરી પર આધારિત ફિલ્મનું ચાર દિવસનું શૂટિંગ બાકી રહ્યું છે. તેઓ સૌ શૂટિંગ પૂર્વવત્ શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. આ તરફ, કરન જોહરે મુંબઇમાં તેની રૂ. 250 કરોડની મેગા બજેટ ફિલ્મ તખ્ત માટે બે સેટ તૈયાર કરાવ્યા હતા અને હવે તેની પાસે સ્થિતિ થાળે પડે તેની રાહ જોયા સિવાય છૂટકો નથી.
પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં બધું જ બદલાઇ શકે છે અને ફિલ્મ ઉદ્યોગ પરોક્ષપણે પચાસ લાખ લોકોને રોજગારી પૂરી પાડતો હોવા છતાં, રાજ્ય કે કેન્દ્ર સરકાર માટે તે ટોચના એજન્ડામાં સામેલ નથી. ઘણાં થિયેટરો મોલની અંદર આવેલાં છે, જે ફિલ્મ જોવા જવા સામેના ખતરામાં ઉમેરો કરે છે. અમેરિકામાં ક્રિસ્ટોફર નોલાનને આશા છે કે, તેમની આતુરતાપૂર્વક જેની રાહ જોવાઇ રહી છે તે 17મી જુલાઇએ રિલીઝ થઇ રહેલી ટેનન્ટ ફિલ્મ ઓડિયન્સને ફરીથી થિયેટરો તરફ વાળશે, પરંતુ ત્યાંના ઉદ્યોગની કામ કરવાની રીત જરા જુદી છે. અમેરિકા ચાર મોટા સ્ટુડિયો અને મોટી એક્ઝિબિટર ચેઇન ધરાવે છે. માત્ર થોડા ફોન કોલ કરવાથી નિર્ણયોનો અમલ થતો હોય છે, જ્યારે ભારતના નિર્માતાઓ પ્રમાણમાં વિભાજિત થયેલા છે. વળી અમેરિકામાં વર્ષે 200 ફિલ્મો બને છે, તેની સામે ભારતમાં 1,000થી 1200ની વચ્ચે ફિલ્મોનું નિર્માણ થાય છે.
પરંતુ તેનો અર્થ એવો પણ થયો કે, ભારતમાં ફિલ્મો જોવાની ઉત્સુકતા વધારે છે. શું એક વાઇરસ આ ઉત્સુકતાનો નાશ કરી દેશે?
- કાવરી બામઝાઈ