કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓ 30 જૂન સુધી બંધ રહેશે. શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે. કારણ કે, ચક્રવાતી 'અમ્ફાન' ને કારણે આઠ જિલ્લામાં ઘણી શાળા બિલ્ડિંગોને નુકસાન થયું છે અને કેટલીક ઇમારતોને સ્થળાંતર કામદારો માટે અલગ આવાસો કેન્દ્રો તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે તેવી સંભાવના છે.
સરકારે પૂર્વમાં જાહેરાત કરી હતી કે, શાળાઓ 10 જૂન સુધી બંધ રહેશે.
વિકાસ ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ચેટર્જીએ જણાવ્યું હતું કે, રાજ્ય બોર્ડની 12 મા ધોરણની પરીક્ષાઓ માટેના નિયત સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા અઠવાડિયાની જાહેરાત મુજબ, તે ફક્ત 29 જૂન, 2 જુલાઈ અને 6 જુલાઈના રોજ યોજાશે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરિષદને 1,058 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવા માટે તમામ જરૂરી સાવચેતી પગલા ભરવા જણાવ્યું છે.
તેમણે કહ્યું, 'જો જરૂરી હોય તો કેટલીક કોલેજની ઇમારતો ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ માટે વાપરી શકાય છે.'
વધુમાં પ્રધાને જણાવ્યું કે, ચક્રવાતને કારણે 462 પરીક્ષા કેન્દ્રોને નુકસાન થયું છે અને વૈકલ્પિક સ્થળોની ઓળખ કરવામાં આવી રહી છે. કોલકાતા, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદનીપુર, પૂર્વ બર્ધમાન, નાડિયા, હુગલી અને હાવડા જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રોને અસર થઈ છે.
પ્રધાને દિવસ દરમિયાન શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા. તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક આકારણી મુજબ, ચક્રવાતને કારણે કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓને 700 કરોડનું નુકસાન થયું છે અને વિભાગ ટૂંક સમયમાં રાજ્ય સરકાર સમક્ષ આ અંગેનો અહેવાલ રજૂ કરશે.