નવી દિલ્હીઃ ઉત્તર દિલ્હીના રહેણાંક વિસ્તાર રોહિણીમાં આવેલી કોલોની એશિયાની સૌથી મોટી કોલોની ગણાય છે. આ કોલોનીમાં શરૂઆતમાં 1 થી 14 સેક્ટર વસાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમાં ઉત્તરોતર વધારો કરવામાં આવ્યો. આ વિસ્તારમાં હાલના સમયમાં કુલ 50 સેક્ટર છે પરંતુ તેમાં રહેતા લોકો વર્ષોથી પાણીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રોહિણી વિસ્તાર પાસે જે ગામડાઓ આવેલા છે ત્યાંના રહીશો જણાવે છે કે જ્યારે અહીં ચૂંટણી યોજાય છે ત્યારે દરેક નેતા આવીને ઢંઢેરામાં જાહેરાત કરતો હોય છે કે તેઓ પાણીની સમસ્યા દૂર કરી દેશે. હાલના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ વચન આપ્યું હતું કે તેઓ વીજળી અને પાણી મફતમાં આપશે. મફત તો ઠીક, જરૂરિયાત પૂરતું પાણી પણ નથી મળી રહ્યું.
જળ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ અધિકારી આ વાત પર ધ્યાન આપતા નથી. તેઓ ગમે ત્યારે ટેન્કર મોકલે છે જેથી લોકોને આખો દિવસ પાણીની રાહ જોતા બેસી રહેવું પડે છે. આ પરિસ્થિતિને કારણે કેટલાક લોકો વિસ્તાર છોડી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે.
દિલ્હી સરકારના આંકડા મુજબ દિલ્હીવાસીઓ ને દરરોજ 900 થી 1000 MGD પાણીની જરૂરિયાત છે જેની સામે ફક્ત 600 થી 650 MGD પાણી તેમને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જૂની પદ્ધતિઓ તથા મશીનરીના કારણે 40 ટકા પાણી બરબાદ થઇ જાય છે.