હૈદરાબાદ: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની યાદીમાં તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે, પાણી, સ્વચ્છતા અને હાથની સ્વચ્છતા – આ તમામ બાબતોની સાથે ફિઝીકલ ડિસ્ટન્સિંગ કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટેનાં ચાવીરૂપ પરિબળો છે તેમજ જીવન તથા આરોગ્ય સેવાઓ બચાવવા માટે રક્ષણનાં અગ્રિમ પરિબળો છે. પાણી અને સાબુ વડે હાથ ધોવાથી વાઇરસનો નાશ થાય છે, પરંતુ તે માટે વહેતું પાણી પૂરતી માત્રામાં મળી રહેવું જરૂરી છે.
યાદીમાં જણાવ્યા પ્રમાણે, આથી જ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રતિસાદની યોજનામાં પાણી અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી જોઇએ.
આ યાદીમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, કોવિડ-19ને ફેલાતો અટકાવવામાં પાણી અને સ્વચ્છતાની ભૂમિકાને સ્વીકારનારા તથા આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સહાયને પ્રાથમિકતા આપનારા નેતાઓ લોકોનાં જીવન બચાવશે.
આ યાદી પર વિશ્વના વિવિધ નેતાઓ તથા એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ સહિતના જુદાં-જુદાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓએ હસ્તાક્ષર કર્યા હતા.
WHOએ તેની નીચેની કાર્યવાહીમાં જોડાવા માટે તમામ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓને હાકલ કરી હતી.
અસમાનતા દૂર કરીને અને કોઇને પણ પાછળ છોડ્યા વિના પ્રત્યેક વ્યક્તિ માટે પાણી અને સ્વચ્છતા પ્રાપ્ય બનાવવાં, કોવિડ-19નો ભોગ બનવાની સૌથી વધુ શક્યતા ધરાવનારા લોકોની કાળજી લેવી. જેમાં, વૃદ્ધો, વિકલાંગતા ધરાવતા લોકો, મહિલાઓ અને છોકરીઓ તેમજ રાહત છાવણીઓ, ડિટેન્શન સેન્ટર, ઘરવિહોણાં લોકો તથા જેમની આજીવિકા મર્યાદિત હોય કે પછી વાઇરસનો વ્યાપ અટકાવવા માટેનાં પગલાં હાથ ધરવાથી જેમની રોજીરોટી છિનવાઇ ગઇ હોય તેવા અનિશ્ચિત સ્થિતિમાં જીવન ગુજારતા લોકો વગેરેનો સમાવેશ થાય છે. આ વંચિત જૂથોને કોવિડ-19 સામે રક્ષણ પૂરું પાડવાની સાથે-સાથે પાણી અને સ્વચ્છતાની સેવાઓ ખોરવાઇ જાય, ત્યારે ફેલાઇ શકે તેવા અન્ય ચેપી રોગો સામે પણ તેમનું રક્ષણ કરવા માટે આ પગલાં ભરવાં જરૂરી છે.
પાણી અને સ્વચ્છતાની સેવાઓમાં સુધારો કરવા માટે તમામ હિસ્સાધારકો સાથે સહયોગથી કામ કરવું, કારણ કે, જાહેર હોય કે ખાનગી કાર્યકર, દાતા હોય કે નાગરિક સમાજનો કાર્યકર, દરેક વ્યક્તિ પાસે કોવિડ-19થી વસ્તીનું રક્ષણ કરવા ક્ષેત્રે યોગદાન આપવા માટે કશુંકને કશુંક છે. જાહેર કે ખાનગી કમર્શિયલ ઇમારતો અને જાહેર પરિવહનની સુવિધાઓના પ્રવેશના સ્થળે અને હેલ્થ કેર સુવિધાઓની અંદર હાથ ધોવાની સુવિધા ઊભી કરવા માટે તાકીદની કામગીરી સહિતની સહકારયુક્ત પ્રવૃત્તિ વધુ અસરકારક બની રહે છે. તમામ લોકો માટે સ્વચ્છતા અને પાણી (સેનિટેશન એન્ડ વોટર ફોર ઓલ) – જેવી ભાગીદારી પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકાર માટેનાં તથા અનુભવોના આદાન પ્રદાન માટેનાં ચાવીરૂપ પ્લેટફોર્મ છે.
પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થા લોકોના આરોગ્યનું રક્ષણ કરવા માટે સ્થિતિસ્થાપક અને સાતત્યપૂર્ણ હોય અને તે રાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થાઓને સહાયરૂપ બને, તે સુનિશ્ચિત કરવું. પાણી અને સ્વચ્છતા માટેની ચીજવસ્તુઓ અને સેવાઓ માટે ચીજવસ્તુઓની હેરફેર તથા ઉત્પાદન ક્ષમતાની ગતિવિધિ સહિત વૈશ્વિક સપ્લાય ચેઇન કોઇપણ કિંમતે નિર્વિઘ્ને ચાલુ રહેવી જોઇએ. પાણી અને સ્વચ્છતા કાર્યકરો લોકોને વિક્ષેપ વિના આ પ્રકારની સેવાઓ પૂરી પાડી શકે, તે માટે તેમને પૂરતું રક્ષણ આપવું જોઇએ.
કટોકટી સામે દેશોના પ્રતિસાદમાં તેમને મદદ કરવવા માટે નાણાંની ગતિશીલતાને પ્રાથમિકતા આપવી. કટોકટીની દરમિયાનગીરીને સહાય કરવા ક્ષેત્રે કરવામાં આવેલા કોઇપણ ધિરાણ માટે લાંબા ગાળાના ઉકેલો દિમાગમાં હોવા જોઇએ. પાણી અને સ્વચ્છતા તમામ લોકો માટે પોષણક્ષમ હોવાં જોઇએ અને તે માટે સર્વિસ પ્રોવાઇડર્સને મદદ કરવા માટે ઉમેરારૂપ ભંડોળની જરૂર પડી શકે છે અને જે લોકોને તે પરવડતું ન હોય, તેમને મદદ પૂરી પાડવી જોઇએ.
ચોકસાઇપૂર્ણ માહિતી પારદર્શી રીતે પૂરી પાડવી. વૈજ્ઞાનિક સલાહના આધારે દરેક વ્યક્તિને સુસંગત તથા બુદ્ધિગમ્ય સંદેશા પહોંચાડવાથી લોકોને જોખમ વિશે સમજૂતી મેળવવામાં મદદ મળી રહેશે અને દરેક વ્યક્તિ તે પ્રમાણે કામગીરી કરવા માટે સક્ષમ બનશે.
યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19 એ વિશ્વ સામે આવેલી પ્રથમ બિમારી નથી કે ન તો તે વિશ્વની આખરી બિમારી છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ભવિષ્યની કટોકટી સામેની સ્થિતિસ્થાપકતાનો આધાર – આપણે અત્યારે કેટલી કુશળતાપૂર્વક કાર્યવાહી કરીએ છીએ તથા સામાન્ય સ્થિતિ દરમિયાન નીતિઓ, સંસ્થાઓ અને ક્ષમતાઓ પર આપણે કેવી કામગીરી કરીશું, તેના પર રહેશે.