1960થી સમગ્ર વિશ્વમાં પાણીના ઉપયોગમાં વધારો થયો છે. તેના પરિણામે, પાણીના સ્ત્રોતો ઉત્તરોત્તર ઓછા થઈ રહ્યા છે. વિશ્વની ચોથા ભાગની વસતી જ્યાં વસે છે એવા 17 દેશોમાં તો પાણીની તીવ્ર કટોકટીની સ્થિતિ છે. આ દેશોમાં ખેતી, ઉદ્યોગો અને શહેરી વસતી ત્યાં ઉપલબ્ધ પાણીના 80 ટકા સુધીના હિસ્સાનો ઉપયોગ કરે છે. વિશ્વની ત્રીજા ભાગની વસતી આવેલી છે. તેવા 44 દેશો 40 ટકા જેટલું પાણીનો વપરાશ કરે છે અને ત્યાં પાણીની કટોકટીની સ્થિતિ તોળાઈ રહી છે. પાણીની પ્રાપ્યતા અને પુરવઠા વચ્ચે મોટા તફાવતના કારણે, દુષ્કાળની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વધારો થઈ રહ્યો છે. તેની અસર આજીવિકા, રોજગારી, ખેતપેદાશો, અન્ન સુરક્ષા અને વેપાર-ધંધાના દીર્ઘ ટકાઉપણા ઉપર વર્તાઈ રહી છે. વધી રહેલી વસતી, શહેરીકરણ, સામાજિક-આર્થિક વિકાસ તથા ઔદ્યોગિકરણના કારણે પાણીની માંગ વધી રહી છે.
ભારતના 90 ટકા શહેરોમાં પાણી વોટર પંપ્સ દ્વારા મળી રહ્યું છે. 80 ટકાથી વધુ ગામડાઓમાં પાણી પુરવઠાની સુવિધા જ નથી. તેના કારણે, પાણી મેળવવા માટે મહિલાઓ અને બાળકોએ રોજ અનેક કિલોમીટરનો પંથ પગપાળા કાપવો પડે છે. આઝાદી પછી, સરકારોએ પોતાની કામગીરી લગભગ સંપૂર્ણપણે સિંચાઈ વ્યવસ્થાઓ તથા બંધો-જળાશયોના નિર્માણ ઉપર કેન્દ્રીત કરી હતી. તેમણે પીવાના પાણીના સ્ત્રોતોને કોઈ ખાસ મહત્ત્વ આપ્યું જ નહોતું. પણ ધીમે ધીમે, સરકારોને નાગરિકોની જરૂરિયાતો અનુસાર પાણીના સ્ત્રોતોના વિવેકપૂર્ણ ઉપયોગની મહત્તા સમજાઈ છે. તેના પરિણામે પહેલી રાષ્ટ્રીય જળ નીતિ 1987માં રજૂ કરાઈ હતી.
દુષ્કાળની સંભાવના ધરાવતી વિસ્તારોમાં ચોમાસુ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ઉત્તરના રાજ્યોમાં ભૂમિની સપાટી ઉપરના પાણીના સ્તર ઉંચા છે. દક્ષિણના રાજ્યોમાં સ્થિતિ જુદી છે. આ વિસ્તારોમાં ભૂરચના મુખ્યત્ત્વે પથરાળ છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીનો સંચય મુશ્કેલ છે. ભારતભરમાં અનેક વિસ્તારોમાં સરેરાશ 500 મિલિલિટર વરસાદ, ખાસ કરીને ચોમાસામાં થાય છે. વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખીને, 10-12 ચોરસ મીટરના વિસ્તારનો ઉપયોગ જમીનની સપાટી ઉપરના જળ કે પછી ભૂગર્ભ જળના સંગ્રહ માટે કરી શકાય. તાજેતરમાં જ, રાજસ્થાન અને તામિલનાડુના લોકોએ પાણીની તીવ્ર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. એમાં પણ તામિલનાડુની પાણીની કટોકટીની ગંભીરતા તો ખૂબજ જાણીતી રહી. દેખિતી રીતે જ, ભૂમિની સપાટી ઉપરના પ્રાપ્ય જળના સંચયના મોરચે નિષ્ફળતા છે.
ઔદ્યોગિક કચરા, રાસાયણિક ખાતરો તેમજ અન્ય ઝેરી પદાર્થોના કારણે ભૂમિની સપાટી ઉપરના સ્તરના પાણી પ્રદૂષિત છે. હલકી ગુણવત્તાના પંપ્સ, ગટરોના પાણી પંપ્સમાં લીકેજ, તૂટફૂટના કારણે પીવાના પાણીમાં પ્રવેશવાના કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે.
રાજસ્થાન પાણીની અછતનો સામનો કરતું એક વધુ રાજ્ય છે. નહેરોના માધ્યમથી પીવાના પાણીની વ્યવસ્થા આ વિસ્તારમાં સામાન્ય છે. નીતિ આયોગના 2018ના અહેવાલ મુજબ વિશ્વમાં પાણીની તીવ્ર કટોકટીનો સામનો કરતા દેશોમાં ભારત 13માં ક્રમે છે. વિશ્વની ચોથા ભાગની વસતી ધરાવતા 17 દેશોની કુલ વસતી કરતાં ભારતની વસતી ત્રણ ગણી વધારે છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના 2018ના અહેવાલની અનુસાર, દર વર્ષે ભૂગર્ભ જળના સ્તરમાં 8 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. તેની અસર દેશના અર્થતંત્ર ઉપર પણ વર્તાશે. પાણીની સમસ્યાના મુદ્દા વિષે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો, આગામી થોડા દાયકાઓમાં સ્થિતિ વધુ વિકટ બનશે.
ઈન્ટરનેશનલ રીસોર્સ પેનલના 2019ના સરવે પ્રમાણે પાણીની તંગીના મોરચે 8માં ક્રમે રહેલું સાઉદી અરેબિયા પાણીના દરેક ટીપાના સંચયની દિશામાં કાર્યરત છે. તેનું લક્ષ્ય એક દાયકામાં પાણીના વપરાશમાં 43 ટકા ઘટાડો કરવાનું છે. નામીબીઆ પાણીની કટોકટીમાં 37માં ક્રમે છે, તે છેલ્લા 50 વર્ષથી ગટરના પાણીનું રીસાયક્લિંગ કરી રહ્યું છે. 50માં ક્રમે રહેલું ઓસ્ટ્રેલિયા દુષ્કાળના સમયમાં પાણીના ઘરગથ્થુ વપરાશમાં 50 ટકા કાપ મુકી રહ્યું છે. 56મા ક્રમે આવતું ચીન નવા બંધાતા બિલ્ડિંગ્સમાં જળ સંચયની વ્યવસ્થા (વોટર હાર્વેસ્ટિંગ)નો સમાવેશ કરી રહ્યું છે.
પાણીની રચના બાષ્પીભવન અને વરાળના ઠાર સિવાયની કોઈ પ્રક્રિયા દ્વારા થઈ શકે નહીં. પાણીના મર્યાદિત સ્ત્રોતોનો ઉપયોગ સંભાળપૂર્વક કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આથી, વરસાદી પાણીના દરેક બૂંદનો સંચય કરવો જોઈએ, ગટરના પાણીનું રીસાયક્લિંગ કરવું જરૂરી છે. રીસાયકલ કરેલા પાણીનો ઉપયોગ તેમજ ઓછા પાણીથી લઈ શકાય તેવા ખેતીના પાકો તરફ વળવું એ આજના સમયની તાતી જરૂરત છે. જળ સંચયના મોરચે નાગરિકોએ પણ પોતાના હિસ્સે આવતી જવાબદારી નિભાવવી જરૂરી છે. આ તમામ પગલાં લેવાશે, તો આપણે અવશ્ય કટોકટીમાંથી પાર ઉતરી શકીશું.