નવી દિલ્હી: નોબલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન ભૂતકાળમાં દિલ્હીમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ એજ વિસ્તારમાં રહેતા હતાં, જે તાજેતરમાં ભડકે બળ્યો હતો. તેમણે કોલકાતાના એક કાર્યક્રમમાં દિલ્હી હિંસા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "દિલ્હીમાં શિક્ષક હતો ત્યારે હું આ જ વિસ્તારમાં રહેતો હતો. જે થયુ એના માટે દુ:ખ છે, પરંતુ દુ:ખી થવાનો પણ કોઈ મતલબ નથી. આપણે આવી હિંસાને રોકવા માટેના પગલાં ભરવા જોઈએ."
હિંસાની પેટર્ન અંગે સેને કહ્યું હતું કે, "આવા હુલ્લડોમાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓ વધુ શિકાર બને છે. જે અંગે ચિંતા કરવાની જરૂર છે. સમાજમાં મહિલાઓ તાકાતવર ન હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયુ છે." અમર્ત્ય સેને ઉમેર્યુ હતું કે, "ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં લોકોનું વિભાજન ધર્મના આધારે ન થવું જોઈએ." તેઓએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે, "હિંસા રોકવા માટે પોલીસ અસમર્થ હતી કે પછી સરકાર દ્વારા પ્રયાસ જ કરાયો નથી."
પોલીસ પર ઠીકરૂ ફોડતા સેને જણાવ્યું હતું કે, "હું ખુબ જ ચિંતાતૂર છું. દેશનું પાટનગર, જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં અશાંતિ છે. જો અહીં લઘુમતી સમુદાયને હેરાન કરવામાં આવે અને પોલીસ નિષ્ફળ નિવડે તો તે ગંભીર અને ચિંતાનો વિષય છે." એક રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું હતું કે, "જે લોકો પર અત્યાચાર થયો છે, તેમાં વધારે સંખ્યા મુસલમાનોની છે. ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં હિન્દુ-મુસલમાનોનું વિભાજન ન કરી શકાય. ભારતના નાગરિક તરીકે ચિંતા કરવા સિવાય બીજુ કંઈ થઈ શકે તેમ નથી.
જો કે, તેમણે અંતમાં કહ્યું હતું કે, "પૂરા ઘટનાક્રમનું વિશ્વલેષણ કર્યા વગર તેઓ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માગતા નથી, જે રીતે જસ્ટિસ એસ. મુરલીધરની બદલી દિલ્હીથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં થઈ જતાં સવાલ ઉભા થાય તે સ્વાભાવિક છે."