બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં મંગળવારની રાતે એક વિવાદીત ફેસબુક પોસ્ટ અંગે હિંસા ફાટી નીકળી હતી. આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ 60થી વધુ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. જેમાં એક એડિશનલ પોલીસ કમિશ્નર પણ છે. હિંસા શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.
આ ઘટનામાં ત્રણ લોકોના મોત થવાના સમાચાર છે. આ માહિતી બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે આપી છે. જેમાં આરોપી ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિનો ભત્રીજો છે. સમગ્ર વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બેંગલુરુના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનની આજુબાજુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 110 લોકોની અટકાયત કરી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, આ હિંસામાં એક પોલીસ કમિશનર સહિત 60 પોલીસ જવાન ઘાયલ થયા છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે, મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાને ભેગા થયા હતા. તેમજ ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ પછી ટોળાએ પોલીસ મથકે નિશાન સાધ્યું હતું. કારણ કે, પોલીસે આરોપીને ત્યાં કસ્ટડીમાં રાખ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, પોતાને ધારાસભ્યનો સબંધી ગણાવ્યો હતો અને તેણે કથિત રીતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેથી એક સમુદાયના લોકો ઉશ્કેરાર્યા હતા.
જો કે, કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારૂ ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હતું. મેં કોઈ પણ ધર્મ અંગે કોઈ પણ જાતની ટિપ્પણી કરી નથી. ધારાસભ્ય મૂર્તિએ પણ ભત્રીજાના બચાવમાં નિવેદન જાહેર કર્યું છે.ધારાસભ્યએ સમુદાયના સભ્યોને હિંસા ન કરવા અપીલ કરી હતી. તેમણે વીડિયો સંદેશમાં જણાવ્યું કે, હું લઘુમતિ સમાજના લોકોને અપીલ કરૂ છું કે, કેટલાક બદમાશોની ભૂલોને લીધે આપણે હિંસામાં સામેલ થવું જોઇએ નહીં, લડવાની કોઇ જરૂર નથી. આપણે બધા ભાઈઓ છીએ. અમે કાયદા પ્રમાણે ગુનેગારોને સજા કરીશું, અમે પણ તમારા સાથે છીએ. હું મારા મિત્રોને શાંતિ જાળવવા અપીલ કરું છું.