દહેરાદુનઃ ઉત્તરાખંડના સ્થાનિક રહેવાસીઓ માટે ચાર ધામ યાત્રા ખોલ્યાના થોડા દિવસો બાદ ચાર ધામ દેવસ્થાનમ બોર્ડે શુક્રવારે દેશના અન્ય રાજ્યોના લોકોને પવિત્ર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપી છે.
દેવસ્થાનમ બોર્ડના CEO રવિનાથ રમને જણાવ્યું હતું કે, યાત્રાળુઓએ ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરવામાં આવેલી કોવિડ -19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) અનુસાર, યાત્રાળુઓને તેની વેબસાઇટ દેવસ્થાન બોર્ડમાં પોતાનું નામ નોંધાવવું પડશે. તેઓએ મુલાકાત માટે મંજૂરી મેળવવા માટે તેમના ઓળખકાર્ડની સાથે-સાથે COVID-19 રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.
રાજ્ય સરકારે આ અગાઉ રાજ્યના ફક્ત સ્થાનિક રહેવાસીઓને ચાર ધામની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી. જો કે, તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને ક્વોરેન્ટાઇન સેન્ટરના લોકોને યાત્રામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કોરોનાના વધતા જતાં કેસને ધ્યાને રાખીને સરકારે આ વર્ષની શરૂઆતમાં લોકડાઉનની જાહેરાત કર્યા બાદ આ યાત્રાને બંધ કરી હતી.