નવી દિલ્હી: લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ખીણ સાથે જોડતી જોજીલા ટનલનું નિર્માણ આજથી શરૂ થઈ ગયું છે. ટનલના નિર્માણકાર્યની શરૂઆત કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બટન દબાવીને કરી હતી. આ ટનલને એશિયાની સૌથી લાંબી ટુ-વે ટનલ માનવામાં આવે છે. આ ટનલનું નિર્માણ પુરૂં થયા બાદ કાશ્મીર ખીણ અને લેહ વચ્ચે બારમાસી સંપર્ક સુવિધા મળી રહેશે.
આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ પણ છે. કારણ કે જોજીલા-દર્રા, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ સમુદ્રની સપાટીથી 11,578 ફૂટની ઉંચાઈ પર આવેલો છે. ભારે બરફવર્ષાને કારણે આ માર્ગ શિયાળામાં બંધ રહે છે. આ માર્ગ વિશ્વના વાહન સંચાલનની દ્રષ્ટિએ સૌથી જોખમી છે.
આ ટનલ શ્રીનગર ઘાટી અને લેહ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 પર દ્રાસ અને કારગિલ થઈને પસાર થશે, જેથી કાશ્મીર ખીણ અને લેહ વચ્ચે બારમાસી સંપર્ક સુવિધા મળી રહેશે. તેનાથી જમ્મુ-કાશ્મીરમાં સર્વાંગી વિકાસ અને સામાજિક-સાંસ્કૃતિક સમન્વય વધશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, જોજીલા પાસ આશરે 3 હજાર મીટરની ઉંચાઇ પર 14.15 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટથી શ્રીનગર-કારગિલ-લેહ વિસ્તારમમાં બરફવર્ષા મુક્ત પ્રવાસનો લાભ મળશે. આ ટનલના નિર્માણથી શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે યાત્રાનો સમય ત્રણ કલાકથી ઘટીને ફક્ત 15 મિનિટનો થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018ના મે મહિનામાં 6 હજાર 800 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.