ફરીદાબાદઃ પોલીસે ફરીદાબાદની એક હોટલમાંથી 2 લોકોની ધરપકડ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ 2 લોકોમાંથી એક યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો સંબંધી છે.
મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે ફરીદાબાદની એક હોટલમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન વિકાસ દુબે ત્યાં મળ્યો નહોતો, પરંતુ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક વિકાસનો સંબંધી સામેલ છે. પોલીસને આશંકા છે કે ગેંગસ્ટર વિકાસ દુબે પણ ત્યાં હાજર હતો. જેથી યુપી STFની એક ટીમ ફરીદાબાદ માટે રવાના થઈ છે.
મળતી માહિતી મુજબ ફરીદાબાદની આ હોટલમાં ગેંગસ્ટર વિકાસ દુબેના સંબંધીના નામ પર રૂમ બુક કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસને માહિતી મળી હતી. જેથી રાજસ્થાન CIA, યુપી STF અને ફરીદાબાદ CIAની ટીમે હોટલને ઘેરી લીધી હતી અને 2 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે હોટલના CCTV મેળવ્યા
આ દરમિયાન પોલીસે સમગ્ર હોટલની તપાસ કરી અને હોટલ સ્ટાફની પૂછપરછ કરી હતી. પોલીસે કાર્યવાહી કરતાં હોટલના CCTV જપ્ત કર્યા છે. બડખલ ચોક ખાતેની આ OYO હોટેલમાં લગભગ 30થી 35 જવાન અને અધિકારીઓ સાદા ગણવેશમાં પહોંચ્યા હતા. હાલ પોલીસ આ કેસ અંગે કાંઇપણ કહેવા તૈયાર નથી.
ગેંગસ્ટર પકડવામાં 40 ટીમો તૈનાત
કાનપુરમાં 8 પોલીસ કર્મચારીની હત્યાના કેસમાં યુપી પોલીસની 40 ટીમો લાગી છે. પોલીસે કાર્યવાહી કરીને કાનપુરની આજુબાજુના વિસ્તારની તપાસ કરી લીધી છે. યુપી-એમપી બોર્ડર, યુપી-નેપાળ બોર્ડર પર પણ પોલીસ નજર રાખી રહી છે. કાનપુરના તમામ હાઈવે અને રસ્તા પર પોલીસે ચેકીંગ સઘન બનાવ્યું છે. દરરોજ પોલીસ ટોલ પર લગાવવામાં આવેલા CCTV કેમેરા જુએ છે, પરંતુ વિકાસ દુબે અંગે કોઈ પ્રકારની માહિતી મળતી નથી.
વિકાસ દુબેએ 8 પોલીસકર્મીની હત્યા કરી
ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર વિકાસ દુબે અને તેના સાથીઓએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ડેપ્યુટી SP સહિત 8 પોલીસ જવાન શહીદ થયા હતા, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.
વિકાસ દુબે પર ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબે વિરુદ્ધ 8 કેસ નોંધાયા છે. જેમાં હત્યા અને હત્યાનો પ્રયાસ જેવા ગંભીર કેસ સામેલ છે. અંદાજીત ગત 3 દાયકાથી ગુનાની દુનિયામાં વિકાસ દુબેનું નામ જોડાયેલું છે. ઘણી વખત તેની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ હજૂ સુધી તેને કોઈ પણ કેસમાં સજા મળી નથી. આ ઉપરાંત વિકાસ દુબે પર 1 લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
દુબે પર આ કેસોના આરોપ
- 2000માં કાનપુરના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તારાચંદ ઇન્ટર કૉલેજના સહાયક મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં વિકાસ દુબે વિરુદ્ધ કેસ દાખલ
- 2000માં વિકાસ દુબે પર રામબાબૂ યાદવની હત્યાનું કાવતરૂં ઘડવાનો આરોપ
- 2004માં કેબલ ઉદ્યોગપતિની હત્યામાં વિકાસ દુબેનું નામ
- વર્ષ 2001માં વિકાસ દુબે પર પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને યુપીના તત્કાલીન રાજ્ય પ્રધાન સંતોષ શુક્લાની હત્યાનો આરોપ
- 2018માં વિકાસ દુબે પર પોતાના કઝીન ભાઈ અનુરાગની હત્યા કરાવાનો પણ આરોપ