આગ્રાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આગ્રા પહોંચવાના છે, ત્યારે આ યાત્રા દરમિયાન લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન રેલવે પરિવહન પણ પ્રભાવિત થશે. પુરાતત્વ વિભાગે જાણકારી આપતા કહ્યું કે, તાજમહેલ સવારે 10.30થી 12 કલાક સુધી ખુલ્લું રહેશે અને ટિકીટ કાઉન્ટર પણ 11 કલાક બાદ બંધ કરવામાં આવશે..
આ સાથે જ રેલવે તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, જે સમયે ટ્રમ્પ ખેરિયા એરપોર્ટ પર પહોંચશે, ત્યારે અડધા કલાક પહેલા સરાયા ખ્વાજા રેલવે ઓવર બ્રિજથી કોઇ ટ્રેન પસાર નહીં થાય અને જે ટ્રેન ત્યાં હશે, તેને તે સ્થળે જ રોકવામાં આવશે. આ સાથે જ તેમ જણાવ્યું હતું કે, જ્યારે તે તાજમહેલ જોઇને ખેરિયા એરપોર્ટ તરફ પરત ફરશે ત્યારે અડધો કલાક પહેલા જ ટ્રેન રોકવામાં આવશે. જેથી આ માર્ગ પ્રભાવિત થશે.
આ સાથે જ પર્યટન વિભાગ અનુસાર શિલ્પગ્રામમાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે અને 24 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકથી રાત્રે 8 કલાક સુધી કોઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, શિલ્પગ્રામથી તાજમહેલના પૂર્વી દ્વાર સોમવારે બપોરે 12 કલાકથી લોકોનો અવર-જવર પર પ્રતિબંધ કરવામાં આવશે.