ચેન્નાઈ: દેશભરમાંથી તબીબો, આરોગ્ય કર્મચારીઓ સાથેની હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ સામે રહી છે, જેના કરાણે કોરોના વોરિયર માટે આવી ઘટનાઓનો સામનો કરવો મુશ્કેલ છે. તમિલનાડુમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા કોરોના વોરિયર ડોક્ટરની અંતિમ વિધિનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તમિલનાડુની રાજધાની ચેન્નાઇના અન્નાનગરમાં કોવિડ-19 પોઝિટિવ ડોક્ટરનું મોત થયું હતું, જેના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લાવવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકોએ અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો હતો અને એમ્બ્યુલન્સને સ્મશાનગૃહમાં જતા અટકાવી હતી. એટલું જ નહીં, જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકોએ તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. વળી, કેટલાંક લોકોએ તો એમ્બ્યુલન્સ અને ડ્રાઈવર પર પથ્થરો વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે પછી ડ્રાઇવર હોસ્પિટલમાં પાછો ફર્યો અને તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હુમલો કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે લાંબા સંઘર્ષ બાદ ડૉક્ટરના નશ્વર દેહને દફનાવ્યો હતો અને અંતિમ સંસ્કાર કર્યા હતા. બાદમાં પોલીસે ખાતરી આપી હતી કે, આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.