નવી દિલ્હી: દિલ્હી, બેંગ્લુરૂ અને હૈદરાબાદના જથ્થાબંધ બજારોમાં ટામેટાના ભાવ 3 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગયો છે. સરકારી માહિતી અનુસાર જથ્થાબંધ બજારોમાં ટામેટાંની આવકમાં વધારો થવાને કારણે શુક્રવારે આ ભાવ પ્રતિ કિલોમાં 4-10 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
રાષ્ટ્રીય રાજધાનીના આઝાદપુર જથ્થાબંધ બજારમાં ગત વર્ષે 22 મેના રોજ ટામેટાની કિંમત પ્રતિ કિલો રૂ. 14.30 હતી, જ્યારે હૈદરાબાદ અને બેંગ્લુરૂમાં 30 રૂપિયા પ્રતિ કિલો હતો.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટમેટાના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ માંગમાં ઘટાડો અને કોવિડ-19ના સંકટ વચ્ચે માલની મોટાપાયે આવક થઈ રહી છે. ફૂડ પ્રોસેસીંગ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આઝાદપુર મંડીમાં હાલના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 440 છે, જે ગત વર્ષે રૂ. 1,258 પ્રતિ ક્વિન્ટલ હતી.
દિલ્હી હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ટામેટાની આવક મોટાપાયે થઈ રહી છે. હૈદ્રાબાદના બોવેનપૈલી હોલસેલ માર્કેટમાં શુક્રવારે ટામેટાના ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો હતો. જે એક વર્ષ પહેલા રૂ. 34 હતા. તેવી જ રીતે, બેંગ્લુરુ જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ એક વર્ષ અગાઉના સમયગાળામાં 30 રૂપિયા પ્રતિ કિલો હતો જે હાલ 10 રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતનું વાર્ષિક ટમેટા ઉત્પાદન લગભગ 111 લાખ ટન જેટલું છે, જે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતું છે. મંત્રાલયના આંકડા મુજબ સરકારે પાક વર્ષ 2019-20(જુલાઈ-જૂન)માં કુલ 193.28 લાખ ટન ટમેટા ઉત્પાદનનો અંદાજ લગાવ્યો છે.