નવી દિલ્હી: દિલ્હીની ત્રીસ હજારી કોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાના કેસમાં બે મહિલા કાર્યકરોને જામીન આપ્યા હતા, અને પછી બીજા કેસમાં બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. આ બંને મહિલાઓ પિંજરા તોડ સંસ્થા સાથે સંકળાયેલી છે.
હકીકતમાં, દિલ્હી પોલીસે નાગરિકતા સુધારો કાયદા વિરુદ્ધ પ્રદર્શનના સંદર્ભમાં નોંધાયેલી એફઆઈઆરમાં નતાશા નરવાલ અને દેવાંગણ કલિતાને ફરજ બજાવતા ડ્યૂટી મજિસ્ટ્રેટ અજીત નારાયણની સામે રજૂ કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, બંને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સક્રિય છે, તેથી આ બંનેની પૂછપરછ કરવાની જરૂર છે.
નરવાલ અને કલિતાના વકીલો અદિત એસ પૂજારી અને તુષારિકા મટ્ટૂએ પોલીસ કસ્ટડીની માંગનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ બધા આરોપો જાણી જોઈને ઘડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, 24 મી ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આ બંને આરોપીઓ તપાસમાં સહયોગ આપી રહ્યા છે, તેથી તેમને જામીન પર છૂટા કરવામાં આવે.
બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી, બંને આરોપીઓ વિરુદ્ધ કલમ 353 ની બિનજામીનપાત્ર કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ આ કેસની કલમ 353 હેઠળ કેસ કરવામાં આવ્યો નથી. કોર્ટે બંનેને જામીન આપ્યા હતા.
જામીન આપ્યા બાદ તરત જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે નરવાલ અને કલિતાની અન્ય એક એફઆઈઆર કેસમાં ધરપકડ કરી હતી. એફઆઈઆરમાં હત્યા અને હત્યાનો પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે બંને આરોપીઓએ તેમના નિવેદનમાં આ એફઆઈઆરમાં પોતાની સંડોવણી કબૂલ કરી છે.
ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે બંનેની 14 દિવસની પોલીસ કસ્ટડીની માંગ કરી હતી. ક્રાઈમ બ્રાંચે કહ્યું કે બંનેની કસ્ટડીમાં પૂછપરછ કરવાની જરૂર છે.