નવી દિલ્હી. દિલ્હી હાઈકોર્ટે તબલીગી જમાતના ત્રણ સાઉદી અરબી નાગરિકોને આર.કે.પુરમની હોટલ હયાતમાં રોકાવાની મંજૂરી આપી છે. તેઓ પોતે જ આ સ્થળનો ખર્ચ ઉઠાવશે. જસ્ટિસ વિપિન સંઘી અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.
અદાલતે હોટલ હયાતમાં રોકાવાની મંજૂરી આપતા ત્રણ સાઉદી નાગરિકોમાં અલ અરફરાઝ મોહમ્મદ ફહદ, અલ હાર્બી સેન્ડ નાસર એમ અને અલ હિન્દી સલમાન મોહમ્મદનો સમાવેશ થાય છે.
એડવોકેટ અજય ગર્ગે જણાવ્યું હતું કે, આ ત્રણના વિરૂદ્ધ 31 માર્ચે એપિડેમિક ડિઝીઝ અધિનિયમની કલમ 3 , ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51 અને 58 (1) અને ભારતીય દંડ સંહિતાની કલમ 188, 269, 271 અને 120 (બી) હેઠળ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે એફઆઈઆર નોંધી છે.
ગર્ગે કહ્યું કે ત્રણ સાઉદી નાગરિકોને શરૂઆતમાં જોગા બાઇ સ્કૂલ, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની અને ઉત્તર રેલવેના તુગલકાબાદ ડીઝલ શેડમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.ત્રણ સાઉદી નાગરિકો હાલ સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા નથી માગતા. ત્રણેય વતી કહેવામાં આવ્યું હતું કે, સાઉદી અરેબિયાના દૂતાવાસે કહ્યું છે કે તેમને હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવે. કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસે તેમના પ્રસ્તાવ સામે વાંધો ન લીધો. તે પછી, કોર્ટે ત્રણેયને હોટલમાં રોકાવાની મંજૂરી આપી.
28 મેના રોજ હાઈકોર્ટે તબલીગી જમાતના 916 વિદેશી નાગરિકોને વૈકલ્પિક સ્થળોએ રોકાવાની મંજૂરી આપી હતી. 26 મેના રોજ દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. સ્ટેટસ રિપોર્ટમાં મૌલાના સાદની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે 23 માર્ચે કહ્યું હતું કે, વોટ્સએપ પર મૌલાના સાદનો વીડિયો મળ્યો હતો જેમાં તે
લોકડાઉનને ધ્યાનમાં લીધા વિના, તેમના સમર્થકોને મારકઝમાં જોડાવા માટે કહી રહ્યો છે.
સ્ટેટસ રિપોર્ટમાં પોલીસે કહ્યું હતું કે, મારકઝના કાર્યક્રમમાં 1300 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ લોકો સામાજિક અંતરને અનુસર્યા વગર હાજર રહ્યા હતા. કોઈ ફેસ માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ ન હતો કર્યો. મૌલાના સાદ અને તબલીગી જમાતના સંચાલન સાથે સંકળાયેલા લોકોએ જાણી જોઈને આ બેદરકારી દાખવી હતી. દિલ્હી પોલીસે એક સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે પ્રવાસી વિઝા પર જમાતમાં જોડાયેલા 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કર્યા છે.