મુંબઈઃ મહારાષ્ટ્ર સીઆઈડીએ પાલઘરમાં નોંધાવેલી ચાર્જશીટમાં ટોળા દ્વારા બે સાધુઓ અને તેમના ડ્રાઇવરની હત્યા અંગે જણાવ્યું હતું. ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બાળકોની ચોરી કરતી ગેંગની અફવાને કારણે આ ઘટના થઈ હતી. એવી અફવાઓ પણ સામે આવી હતી કે, આ ગેંગના સભ્યો સાધુનો પોશાક અથવા પોલીસનો યુનિફોર્મ પહેરીને બાળકોની ચોરી કરે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'સીઆઈડીએ બુધવારે પાલઘર જિલ્લાના ધનુ તાલુકાની પ્રથમ-વર્ગની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં 4,955 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી. 6 એપ્રિલના રોજ, પાલઘર જિલ્લાના ગઢચિંચાલ ગામે બે સાધુઓ અને તેમના ડ્રાઇવરને ટોળાએ માર માર્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે સાધુઓ કારમાં સુરતમાં અંતિમ વિધિમાં ભાગ લેવા જઇ રહ્યાં હતાં.'
અધિકારીએ જણાવ્યું હતુું કે, 'ચાર્જશીટ મુજબ સાધુઓની હત્યાના થોડા દિવસો પહેલા ગઢચિંચાલે ગામ અને આજુબાજુના વિસ્તારમાં બાળકની ચોરી કરતી ગેંગની અફવાઓ ફેલાઇ હતી. તપાસ દરમિયાન આ વાત સામે આવી છે અને સાધુઓને માર મારવાના અન્ય કોઈ કારણને નકારી કાઢવામાં આવે છે.'
આ મામલે પાલઘરના કાસા પોલીસ સ્ટેશનમાં ત્રણ જુદા જુદા કેસ નોંધાયા હતા. આ કેસની તપાસ 21 એપ્રિલે રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ ઘટના સંદર્ભે 154 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 11 સગીરની અટકાયત કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ આરોપી જામીન પર છૂટો નથી થયો.'
તપાસ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'રોગચાળાનો સૌથી પડકારજનક સમય હતો અને આ કેસમાં તપાસ કરવી મુશ્કેલ હતી. કારણ કે, ઘણાં લોકોને પૂછપરછ માટે બોલાવવા પડ્યા હતા. તેમણે કહ્યું કે, ટીમે પુરાવા એકઠા કરવા, આરોપીઓને પકડવા અને આ વિસ્તારમાં શોધખોળ કરવા માટે ત્યાં સાવધાની પૂર્વક કામ કરવું પડ્યું.'
આ ઘટના બાદ રાજ્ય સરકારે પોલીસ સ્ટેશનના પ્રભારી આનંદરાવ કાલે અને કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.આ ઉપરાંત 35થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી.