- બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન
- પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું જનસભાને સંબોધન
- લોકોને વધુને વધુ મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ
સહરસા/બિહાર: જનસભાને સંબોધન કરવા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોના શાસનમાં રાજ્યમાં જંગલરાજ હતું, આવા લોકો હવે એક થઈને લોકો પાસે મત માગવા આવ્યા છે. સહરસાની જનસભામાં પીએમ મોદીએ લોકોને વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી અને કહ્યું કે, તમારા એક મતની તાકાતને ઓછી આંકશો નહીં.
આંગળી પર લાગશે લોકતંત્રના સૌભાગ્યનું ચિન્હ: પીએમ મોદી
પીએમ મોદીએ શ્રીકૃષ્ણનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, 'જે રીતે શ્રીકૃષ્ણએ એક આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અને ગોવાળોએ તેમનું સમર્થન કર્યું હતું, તેવી જ રીતે આપની આંગળી ઉપર લોકતંત્રના સૌભાગ્યનું ચિન્હ લાગવા જઈ રહ્યું છે. આપનો એક-એક મત આપના ઉજળા ભવિષ્યની ગેરંટી છે.
બિહારના લોકો આત્મનિર્ભર બિહાર માટે કટિબદ્ધ છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, બિહારના લોકો આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બિહાર માટે કટિબદ્ધ છે. વિતેલા વર્ષોમાં એક ઉદયમાન, આત્મનિર્ભર અને ગૌરવશાળી અતિતથી પ્રેરિત થયેલા બિહારનો પાયો રાખવામાં આવ્યો છે. હવે આ મજબૂત પાયા ઉપર એક ભવ્ય અને આધુનિક બિહારના નિર્માણ કરવાનો સમય છે.
પીએમ મોદીએ કર્યા નિતિશ કુમારના વખાણ
બિહારના મુખ્યપ્રધાન નિતિશકુમારના કામના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિતેલા દસ વર્ષોમાં નિતિશકુમારના નેતૃત્વમાં NDA સરકારે આત્મનિર્ભય બિહારનો મજબૂત પાયો રાખ્યો છે. બિહારમાં વીજળી, પાણી, રોડ-રસ્તા જેવી પાયાની સગવડતાઓ ગામેગામ પહોંચાડવામાં આવી છે.
બિહારમાં જંગલરાજ લાવનારા હવે મત માગવા આવ્યા છે: પીએમ મોદી
વિરોધીઓ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, બિહારમાં જંગલરાજ લાવનારા લોકોને ભારત માતા સામે વાંધો છે.પીએમ મોદીએ કહ્યું કે, એક ટોળી કહેતી હતી કે, 'ભારત માતાની જયના નારા ન લગાવવા જોઈએ. તો કેટલાક લોકો કહેતા હતા કે, તેમને ભારત માતાની જયથી સિરદર્દ થવા લાગે છે'. હવે ભારત માતાના આ વિરોધીઓ એક થઈને જનતા પાસે મત માગવા આવ્યા છે.