હરિયાણા/પલવલઃ પાણી જીવન માટે સૌથી જરુરી છે. પૃથ્વીનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે, તેમ છતાં સતત તેના દુરૂપયોગને લીધે, લાખો લોકો તરસ્યા છે અને પાણીથી વંચિત છે. ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ જળ સુકાઈ ગયું છે અથવા ભૂગર્ભ જળનું સ્તર ખૂબ નીચે ગયું છે. ભારતના ઘણા જિલ્લાઓમાં પણ પાણીનું સ્તર ભયસ્તરની નીચે ગયું છે. આથી આવનારી પેઢી માટે પાણીના દરેક ટીપાંને બચાવવાની સૌથી નિકટવર્તી આવશ્યકતા છે.
હરિયાણાના પલવલ જિલ્લામાં આવું જ એક ગામ છે, જેણે વરસાદી પાણીના સંરક્ષણના સંદર્ભમાં વિશ્વ માટે એક દાખલો બેસાડ્યો છે. ભીડુકી ગામને પાણીનું મહત્વ એકદમ સારી રીતે સમજાયું છે. આ ગામ વરસાદના દરેક ટીપાંને બચાવે છે, જેથી ભવિષ્યમાં પાણીની તંગીના પ્રશ્નોનો સામનો કરવો ન પડે. આજે આખો દેશ આ ગામ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની વાત કરી રહ્યો છે. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ગામની પ્રશંસા કરી છે.
પલવલ જિલ્લાના ભીડુકી ગામે થોડા વર્ષો પહેલા લોકોને વરસાદની મોસમમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં ડ્રેનેજ સિસ્ટમ ખરાબ હોવાના કારણે ગામમાં બધે જ પાણીનો ભરાવો થતો હતો. ગામમાં છોકરીઓ માટે એક સરકારી કન્યા શાળા છે. સ્કૂલ તરફ જતો રસ્તો પાણીથી ભરાયેલો રહેતો હતો. સ્કૂલનું મેદાન પણ પાણીથી ભરાયેલું રહેતું હતું. ચોમાસા દરમિયાન દર વર્ષે ગ્રામજનોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2016માં, સત્યદેવ ગૌતમ ભીડુકીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. સત્યદેવ ગૌતમ બીટેક અને એમબીએ છે. તેમણે હંમેશાં તેમના ગામને બદલવાનું સપનું જોયું છે અને લાખો રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને, આજે તે પોતાનું સપનું પૂરું કરવામાં વ્યસ્ત છે.
સરપંચ સત્યદેવ ગૌતમે સૌ પ્રથમ તેમના ગામની વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીને દૂર કરવા પ્રયત્ન કર્યો. સત્યદેવ ગૌતમે ગામની સરકારી શાળામાં પાણીનો સંગ્રહ કરવાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો. સરપંચે પાઈપો, નાળાઓ દ્વારા રસ્તા અને બાકીના પાણી ભરાયેલા વિસ્તારોને જોડ્યા, અને શાળાના એક ભાગમાં, ભૂગર્ભ જળની 3 ટાંકી આશરે 8 ફૂટ પહોળી અને 10 ફૂટ લાંબી બાંધવામાં આવી હતી.
આ ત્રણ ટાંકી એકબીજા સાથે જોડાયેલી છે. પ્રથમ બે ટાંકી પાણીના ફિલ્ટર તરીકે કાર્ય કરે છે. સોલિડ વેસ્ટને પ્રથમ ટાંકીમાં ફિલ્ટર કરવામાં આવે છે. જ્યારે, સ્લરી અને અન્ય અશુદ્ધિઓ અન્ય ટાંકીમાં ફિલ્ટર કરવામાં આવે છે. તે જ સમયે, ત્રીજી ટાંકીમાં 120 મીટર ઉંડો બોરવેલ ખોદવામાં આવ્યો છે. આ બોરવેલ દ્વારા તમામ પાણી ફરીથી જમીનમાં મોકલવામાં આવે છે. જમીનમાં પાણી મોકલતા પહેલા, તે શુદ્ધિકરણ માટે, ફિલ્ટર કરવામાં આવે છે. ટાંકીમાં ત્રણ પ્રકારના ધાતુના પથ્થરો નાખવામાં આવ્યા છે. સૂક્ષ્મ દાણાવાળા પત્થરો નાખવામાં આવ્યા છે, જેથી પાણીની અશુદ્ધિઓ ફિલ્ટર થાય અને શુદ્ધ પાણી જમીનની અંદર જાય.
સરપંચ સત્યદેવ ગૌતમની પહેલથી આ ગામની હરિજન બસ્તીમાં 40 જેટલા મકાનોને પાણીના સંગ્રહને કારણે નવું જીવન મળ્યું છે. પહેલાં, નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે ઘર આગળ હંમેશાં પાણી રહેતું હતું, પરંતુ હવે અહીં જળસંચયનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. ભીડુકી ગામે જળસંગ્રહ માટેની સમસ્યા હલ નથી કરી, પરંતુ ગામના સરપંચે પોતાની કોઠાસૂઝથી ગામની મધ્યમાં તળાવમાંથી પાણીના ઓવરફ્લોની સમસ્યા પણ હલ કરી છે. ચોમાસા દરમિયાન તેને સિંચાઈ પદ્ધતિમાં પરિવર્તિત કરી છે.
સરપંચ સત્યદેવ ગૌતમે જોહદ (તળાવ) ને ગટરની લાઇનનો ઉપયોગ કરીને ખેતરો સાથે જોડ્યા છે. હવે જ્યારે પણ ચોમાસા દરમિયાન આ તળાવનું પાણી કોઈ ચોક્કસ સપાટીથી ઉપર પહોંચે છે ત્યારે પમ્પ-સેટ લગાવીને સીવેરેજ પાઇપ દ્વારા પાણીને ખેતરોમાં પહોંચાડી શકાય છે. સરપંચે લગભગ બે કિલોમીટર સુધી ગામના ખેતરોમાં દર 200થી 300 મીટરના અંતરે 6 ફૂટ પહોળા અને 10 ફૂટ લાંબા ખાડાઓ બનાવ્યા છે. જોહદની પાઇપ આ ખાડા સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ખેડૂતોને પાણીની જરૂર પડે છે. ખેડૂતો આ ખાડાઓમાં પાઈપો નાખી શકે છે અને તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકે છે. ભીડુકી ગામની બહાર દોઢ વર્ષ પહેલા 4 એકરમાં તળાવ બનાવવામાં આવ્યું હતું . આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હતો. આ પાણીનો ઉપયોગ ખેતી માટે થતો હતો. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણનો સંગ્રહ કરવાનો છે.
તળાવને ગામની બહાર આવેલી કેનાલ સાથે જોડવામાં આવ્યું છે. જો વરસાદમાં પાણી ભરાઈ જાય તો વધારાનું પાણી કેનાલ દ્વારા બહાર જતું રહે છે. જેથી કરીને ગામમાં પાણી ભરાતું નથી.
પીએમ મોદી દ્વારા ભીડુકી ગામની પ્રશંસા કરવામાં આવ્યા બાદ પલવલ જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્રકુમાર પણ ખૂબ આનંદિત છે. એક તરફ તે ગામના સરપંચની પ્રશંસા કરે છે અને બીજી તરફ અન્ય ગામોના સરપંચોને પણ આ પહેલથી પ્રેરણા લઈને તેમના ગામમાં આ જ અમલ કરવા અપીલ કરે છે.
ભીડુકી ગામે વરસાદી પાણીને બચાવવા જે પહેલ કરી છે, તે પ્રશંસાજનક અને પ્રેરણાદાયક છે. આવી પહેલને પ્રોત્સાહન આપવું જોઈએ અને આગળ અમલમાં મૂકવું જોઈએ. જેથી ગામડે ગામડે જાગૃતિ ફેલાય અને વરસાદી પાણીના જતન માટે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. કારણ કે, જો પાણી છે તો જ ભવિષ્ય છે.