અરગડ્ડા (તેલંગણા): હૈદરાબાદના એક 26 વર્ષીય વ્યક્તિએ મૃત્યુના થોડા સમય પહેલાં તેના પિતાને એક સેલ્ફી વીડિયો મોકલ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડોકટરોએ વેન્ટિલેટરને કાઢી નાખ્યું હતું. જેને કારણે તે સરખી રીતે શ્વાસ લઇ શકતો ન હતો. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થવા લાગ્યો.
મૃત્યુના થોડા સમય પહેલાં બનાવેલા સેલ્ફી વીડિયોમાં યુવકે જણાવ્યું હતું કે, ડોકટરોએ વેન્ટિલેટરને કાઢી નાખ્યું હતું. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેનું કોઇ સાંભળતું નથી. વીડિયોમાં તે બોલે છે કે, 'મારું હ્રદય કામ કરતું બંધ થઇ ગયું છે, હું શ્વાસ લઇ શક્તો નથી, ડેડી બાય ડેડી, બાય ઓલ, બાય ડેડી .. ' હૈદરાબાદની અરગડ્ડા ગર્વમેન્ટ ચેસ્ટ હોસ્પિટલમાં એડમીટ કોરોના દર્દીએ આ વીડિઓ બનાવીને તેના પિતાને મોકલ્યો હતો. યુવકના પિતાનું કહેવું છે કે, વીડિયો મોકલ્યાના થોડા કલાકોમાં જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.
તેમણે આગળ જણાવ્યું કે, 24 જૂનના રોજ તેના પુત્રને તાવ હતો. ત્યારબાદ તેને હૈદરાબાદની ચેસ્ટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. જ્યાં 26 જૂને તેનું મોત થયું. જોકે, ચેસ્ટ હોસ્પિટલના અધિક્ષક મહબૂબ ખાને વેન્ટિલેટર હટાવવાના આક્ષેપને નકારી દીધા છે.