૧૯૯૧માં કોઈને પણ આશા નહોતી કે નરસિંહ રાવ વડા પ્રધાન બની જશે. કદાચ તેઓ છેલ્લા વ્યક્તિ હતા જેમણએ પોતે પણ એ પદ પર શપથ લેવાનું અને બેસવાનું વિચાર્યું હશે જે પદ પર એક સમયે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી બેઠાં હતાં.
તેમણે ૧૯૯૧ની સામાન્ય ચૂંટણીમાં ભાગ નહોતો લીધો. જેમ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે વ્યાપક માન્યતા હતી કે રાવ તેમનો સામાન પેક કરી રહ્યા હતા અને હૈદરાબાદ જવા માટે દિલ્લી છોડવા તૈયાર થયા હતા.
વધુ અનેપક્ષિત અને અકળ વાત એ હતી કે તેઓ વર્ષોથી તેમના પ્રતિષ્ઠિત પુરોગામીઓએ જે આર્થિક ઈમારત બનાવી છે તેને સંપૂર્ણ બદલી નાખશે. હકીકતે, નરસિંહ રાવ પોતે 'સમાજની સમાજવાદી ઢબ'ના નહેરુવાદી સિદ્ધાંતના મજબૂત સમર્થક હતા, જેમાં સરકાર અર્થતંત્ર પર જડબેસલાક નિયંત્રણ ધરાવતી હોય.
એક વાક્યમાં કહીએ તો નરસિંહ રાવે અત્યારે આપણે જે નવું ગતિશીલ ભારત આપણી આસપાસ જોઈ રહ્યા છીએ તેના પાયા નાખ્યા.
નરસિંહ રાવે તેઓ વડા પ્રધાન બન્યા તેના ગણતરીના કલાકોની અંદર દૂરગામી અસર કરનારા નિર્ણયો લીધા. તેમનો સૌથી મહત્ત્વનો નિર્ણય ડૉ. મનમોહનસિંહને નાણા પ્રધાન તરીકે લાવવાનો હતો.
મનમોહનસિંહની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી પરંતુ તેમના વિષયમાં તેઓ નિષ્ણાત હતા. રાવના અંદાજ પ્રમાણે, તેઓ વૈશ્વિક આર્થિક ખેલાડીઓમાં વિશ્વાસ જગાડવા માટે અનુકૂળ હતા.
રાવે સિંહને પૂરું રાજકીય પીઠબળ પૂરું પાડ્યું જેથી સિંહ દિન-પ્રતિદિનની રાજકીય વિવશતાથી હસ્તક્ષેપ પામ્યા વગર પૂરી વ્યાવસાયિકતા સાથે તેમની ફરજ નિભાવી શકે.
આજે વિચારતાં એવું લાગે છે કે બધી પરિસ્થિતિ નરસિંહ રાવને ભારતના ભાગ્ય પર બેસીને તેનું ભવિષ્ય બદલવા માટે જાણે કે તૈયાર કરી રહી હતી.
રાવ અસાધારણ પ્રતિભા સંપન્ન હતા. તેઓ બહુશ્રુત હતા. તેમણે બાર જેટલી ભાષા શીખી હતી. તેઓ કવિતા અને કથા લખતા હતા. તેઓ અનુવાદમાં અતિ કુશળ હતા. તેઓ સંગીતના પારખુ હતા. તેમને ભારતીય પરંપરા અને પ્રથાનું ખૂબ જ જ્ઞાન હતું.
જોકે તેઓ એવા વ્યક્તિ નહોતા જે રૂઢિચુસ્તતામાં ફસાઈ જતા. તેઓ કદાચ તેમની પેઢીના બહુ થોડા પૈકીના એવા લોકો હતા જેઓ ઉભરતી માહિતી ટૅક્નૉલૉજી સાથે બહુ સુવિધાજનક નહોતા અનુભવતા પરંતુ તેમને કમ્પ્યૂટર પ્રૉગ્રામિંગ ભાષાઓ શીખવાની માનસિક ક્ષમતા જરૂર હતી.
રાવે અન્ય વિદ્વાન અને જ્ઞાની રાજકારણીઓનો પથ પસંદ ન કર્યો જેમણે વિધાનપાલિકા માટે અપ્રત્યક્ષ માર્ગ પસંદ કર્યો હતો. તેમણે ભારતમાં સ્વતંત્રતા પછી યોજાયેલી દરેક સામાન્ય ચૂંટણી લડી હતી સિવાય કે ૧૯૯૧ની ચૂંટણી.
પ્રથમ ચૂંટણી સિવાય, તેઓ દરેક ચૂંટણી જીત્યા હતા. ૧૯૮૪માં તેઓ તેમની માતૃભૂમિ આંધ્ર પ્રદેશમાં હારી ગયા હતા પરંતુ મહારાષ્ટ્રની એક બેઠક પરથી જીત્યા હતા. તેઓ કદાચ એવા બહુ થોડા રાજકીય નેતાઓ પૈકીના એક હતા જેઓ હંમેશાં લોકપ્રિય મતથી સંસદમાં પ્રવેશ્યા અને ૧૯૯૧ સુધી જેઓ સૌથી વધુ સંખ્યામાં ચૂંટણી લડ્યા હતા.
તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે જે કંઈ થયું તેના માટે આ બધી હકીકતો પ્રાસંગિક છે. ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે જે આર્થિક સુધારાઓ તેમણએ કર્યા તે એક રીતે સીધા સમૂહ રાજકારણમાં તેમના દીર્ઘકાલીન અનુભવથી પ્રેરિત હતા.
૧૯૫૦ના દાયકાની મધ્યથી ૧૯૭૦ના દાયકાની મધ્યમાં તેઓ રાજ્યની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે હતા અને તેમણે રાજ્યના એક પછી એક મંત્રીમંડળમાં સેવા આપી હતી. તેમણે જે ખાતાંઓ સંભાળ્યાં હતાં તેની વિશાળ શ્રેણી છે; કાયદા અને ન્યાયથી લઈને શિક્ષણ અને એન્ડૉમેન્ટ (ધર્માદો).
તેમની રાજ્ય રાજકારણમાં કારકિર્દી તેમના મુખ્ય પ્રધાન પદ સાથે શિખર પર પહોંચી. ૧૯૭૦ના દાયકાની મધ્યમાં તેઓ રાષ્ટ્રના રાજકારણમાં પહોંચ્યા. તેમણે વિદેશ ખાતું, સંરક્ષણ, માનવ સંસાદન વિકાસ, ગૃહ ખાતું વગેરે સંભાળ્યાં.
રાજ્ય અને રાષ્ટ્રીય એમ બંને સ્તરે, રાવે મોટા ભાગના અગત્યના વિભાગો અને મંત્રાલયનો સંભાળ્યાં જે ભારતને સમજવા અને તેને બદલવા માટે અગત્યનાં હતાં.
તેમના વિશાળ અનુભવે તેમને ગ્રામીણ અને શહેરી જીવન તેમજ દેશના વિદેશો સાથેના સંબંધોની ધોરી નસ પારખવાની દૂરદૃષ્ટિ આપી હતી.
આ પૃષ્ઠભૂમિએ તેમને દૂરદૃષ્ટિવાળાં પરિવર્તનો જે વિશ્વમાં થઈ રહ્યાં હતાં તેને નિહાળવાની લાભદાયક સ્થિતિમાં મૂક્યા હતા. આ બધું સમાજવાદી સમૂહના આયોજિત અર્થતંત્રોના નબળા પડવામાં, સોવિયેત સંઘમાં વાવંટોળ અને સમાજવાદી વિચારવાળાઓમાં થઈ રહેલા મૂલ્યહ્રાસમાં સ્પષ્ટ દેખીતું હતું.
એ બૌદ્ધિક સાધન અને વ્યવહારુ અનુભવ જ હતો જે નરસિંહ રાવે તેમની સાથે તેઓ જ્યારે ૧૯૯૧માં વડા પ્રધાન બન્યા ત્યારે સાઉથ બ્લૉકમાં આણ્યો હતો. તે વખતે દેશમાં ઊંડી આર્થિક કટોકટી ઝળૂંબી રહી હતી.
તેની પાસે પૂરતું વિદેશી હુંડિયામણ અનામત નહોતું જેના વડે એક સપ્તાહની આયાતની પણ ચૂકવણી થઈ શકે. આપણે દેવાળું ન ફૂંકવું પડે તે માટે આપણી સોનાની અનામત વિમાન દ્વારા મોકલવી પડી હતી. દેશ લગભગ આર્થિક રીતે પડી ભાંગવાની સ્થિતિમાં હતો.
આ કટોકટી પ્રત્યે જડવાદી સૈદ્ધાંતિક અભિગમે દેશને આર્થિક રસાતળમાં ધકેલી દીધો હોત. નરસિંહ રાવે આ નાજુક તબક્કે તેમની વ્યવહારુતા દાખવી. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સમાજવાદી ઝૂકાવ સાથે તેઓ નહેરુવાદી આર્થિક સિદ્ધાંતોના મજબૂત સમર્થક રહ્યા હોવા છતાં, નરસિંહ રાવે ઝડપથી એ ચીજો ગ્રહણ કરી લીધી જે દેશના ઇતિહાસમાં આ નાજુક ક્ષણોએ તેમની પાસે માગી રહી હતી.
તેમણે ભીંત પર લખાયેલું લખાણ સ્પષ્ટ રીતે વાંચી લીધું હતું. તેમણે સમજી લીધું હતું કે જો દેશમાં બંધનો દૂર નહીં કરવામાં આવે અને તેના અર્થતંત્રને વૈશ્વિક બજાર સાથે જોડવામાં નહીં આવે તો તેના માટે ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી.
તેમણે ઝડપથી આંતરરાષ્ટ્રીય આર્થિક ભંડોળ (આઈએમએફ) સાથે વાટાઘાટ કરી; રૂપિયાનું અવમૂલ્યન કરવા સંમત થયા; વેપાર વ્યવસ્થાને ઉદાર બનાવી અને ઔદ્યોગિક નીતિ પર આંતરિક નિયંત્રણો હળવાં કર્યાં.
મૂડીરોકાણ નિર્ણયો પરના સરકારી નિયમનો હળવા કરવામાં આવ્યા. ખાનગી મૂડીને પરમિટ અને લાયસન્સ રાજની ચંગુલમાંથી મુક્ત કરવામાં આવી.
એક જ ધડાકે રાવે કૉંગ્રેસના 'સમાજના સમાજવાદી ઢબ'ની વિચારધારા ત્યજી દીધી. ૧૯૫૦ના દાયકાની ઔદ્યોગિક નીતિના સંકલ્પને કચરા પેટીમાં ફગાવી દેવાયો.
જોકે 'સમાજવાદી પથ' ત્યજી દેવાનું તેમનું પગલું ભારતને નિર્દયી અને ઉઘાડા મૂડીવાદી પથ પર મૂકવા માટેનું નહોતું.
તેમને વાસ્તવિક સ્થિતિની મજબૂત સમજ હતી. આવા રાજનેતા તરીકે તેમણે આગ્રહ રાખ્યો કે તેમના સુધારાઓ 'માનવતાવાદી ચહેરા' સાથેના હોય. તેઓ ઈચ્છતા હતા કે જેઓ ટૂંકા ગાળામાં કઠણાઈ ભોગવવાના હતા તેમને 'સુરક્ષા જાળ' આપવામાં આવે.
હકીકતે, તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે જે ભાષણો આપ્યાં તેમાં બે રૂઢિપ્રયોગો અગ્ર સ્થાને રેતા. તેમના ઉદારીકારણની સામે તેમણે ગ્રામ્ય વિકાસ પર પણ ભાર મૂક્યો.
પહેલી વાર ભારતમાં, ગ્રામ્ય વિકાસ મંત્રાલયને તેની અંદાજપત્ર ફાળવણીમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો. કદાચ બહુ થોડા લોકોને DWCRA જેવા કાર્યક્રમો યાદ હશે જે નરસિંહરાવના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયા હતા.
૧૯૯૧માં તેમણે જે આર્થિક દૂરદૃષ્ટિ આપી તે આજે પણ અપડકારનીય છે. ૧૯૯૬માં તેમણે પદ છોડ્યું તે પછી અનેક સરકારો કેન્દ્ર ખાતે બની. દેશના લગભગ તમામ પક્ષો સરકારનો ભાગ બન્યા અથવા એક પછી એક સરકારોને બહારથી ટેકો આપ્યો.
પરંતુ એક પણ પક્ષે તેમના ૧૯૯૧ના નીતિ કાર્યમાળખામાંથી હટવાનું પસંદ કર્યું નહીં. કૉંગ્રેસે તેમને તેમનાં છેલ્લાં વર્ષોમાં અને તેમના મૃત્યુ સમયે તેમને ત્યજી દીધા, પરંતુ તે તેમની આર્થિક નીતિઓને ત્યજી શકી નહીં. ભાજપે તેમનો રાજકીય રીતે વિરોધ કર્યો. પરંતુ ભાજપના નેતૃત્વાળી સરકારોએ તેમના આર્થિક સિદ્ધાંતોથી વિચલન કર્યું નહીં.
રસપ્રદ રીતે, તેમણે જે વ્યક્તિને નાણા પ્રધાન તરીકે પસંદ કર્યા, તે ડૉ. મનમોહનસિંહ કૉંગ્રેસના વડા પ્રધાન તરીકે તેમના અનુગામી બન્યા.
તે દર્શાવે છે કે તેમના ૧૯૯૧ના આર્થિક કાર્યક્રમની પ્રાસંગિકતા કેટલી બધી હતી.
(આ લેખ રાજકીય વિવરણકાર અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી ડૉક્ટરેટ સાથેના અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે લખ્યો છે )