આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 3.60 લાખ કરોડ છે. વાસ્તવમાં તો, આ દરખાસ્ત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ સત્ર દરમિયાન કરવામાં આવી હતી. ત્રણ મહિના પહેલા એવા અહેવાલો હતા કે, કેન્દ્ર સરકાર રાજ્યોના સહયોગથી “નલ સે જલ” યોજના શરૂ કરશે અને જળ જીવન મિશન દરેક રાજ્યની જરૂરતો અનુસાર ઘડવામાં આવશે. શેખાવતે યોજનાના ખર્ચની વિગતો આપી હતી અને હવે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, "એમાં રાજયો સહભાગી બને તો જ તે શક્ય બનશે."
કેન્દ્ર સરકારે દેશના 256 જિલ્લાઓ અને 1,592 તાલુકાઓમાં જળ શક્તિ અભિયાનના અમલ વિશે સ્થાનિક સંસ્થાઓને આદેશ આપ્યો હતો અને હવે તે એવી ખાતરી આપી રહી છે કે, તે પીવાના પાણીની જરૂરિયતો રાજય સરકારની મદદથી જ પુરી કરશે. રાજ્યો બિનજરૂરી ખર્ચ નિવારે અને આવી મહત્ત્વની યોજનાઓ માટે નાણાં ફાળવે તો લાખ્ખો તરસ્યા લોકોની તરસ છિપાવી શકાય.
પાણીની શોધમાં અનેક કિલોમીટરનો પંથ કાપતા લોકોની મુશ્કેલીઓનું વર્ણન શબ્દોમાં કરી શકાય નહીં. યુનિસેફનો અંદાજ છે કે, મહિલાઓ અને બાળકો સમગ્ર વિશ્વમાં દરરોજ 20 કરોડ ઉત્પાદકતાના કલાકો પાણી લાવવા માટે મહેનત કરે છે, તે 22,800 વર્ષ બરાબર છે. લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડાઓ દર્શાવે છે કે, 21 રાજ્યોના 153 જિલ્લાઓના લોકો આર્સેનિક (ઝેરી પદાર્થ) નું ઉંચું પ્રમાણ ધરાવતું પાણી પી રહ્યા છે. ગત વર્ષે, ડ્યુક યુનિવર્સિટીના અભ્યાસના તારણોએ દર્શાવ્યું હતું કે, "16થી વધુ રાજ્યોમાં ભૂગર્ભ જળમાં યુરેનિયમનું પ્રદૂષણ વ્યાપક સ્તરે ફેલાયેલું છે. નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે, દેશભરમાં 60 કરોડ લોકો પાણીની તંગીની સ્થિતિથી પીડાઈ રહ્યા છે. શહેરો તથા ગામડાઓ ઉપર પણ પાણીની કટોકટી તોળાઈ રહી છે અને તે આપણને કેપ ટાઉનની સ્થિતિની યાદ કરાવે છે."
લોકોને સાવ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સરકારની નિષ્ફળતા સાવ દેખીતી છે. પવિત્ર ગંગા નદીની સાથે સાથે, બીજી પણ અનેક નદીઓ તેમાં છોડવામાં આવતા ઔદ્યોગિક તેમજ ખેતીના કચરાના કારણે પ્રદૂષિત બની ચૂકી છે. જળ સંચયની અવગણના કરાશે, તો જોતજોતામાં ભૂગર્ભ જળ ખતમ થઈ જશે. તથા અન્ય જળાશયો પણ ખાલી થઈ જશે. આ ચેતવણીઓના સંદર્ભમાં, આપણે આપણી ઘોર તંદ્રામાંથી જાગૃત થવાની જરૂર છે. એવું કહેવાય છે કે, "તત્કાલિન આયોજન પંચમાં મિહિર શાહની આગેવાની હેઠળની સમિતિએ પાણીના મુદ્દે કામ કર્યું હતું તે હવે આગામી છ મહિનામાં નવી રાષ્ટ્રીય જળ નીતિનો ખરડો રજૂ કરશે." આ શાહ સમિતિએ વિવિધ પડકારોની ગણતરી કરીને એવો ખરડો તૈયાર કરવો જોઈએ જેનાથી એક જવાબદાર જળ સંચય અભિગમ માટેનો માર્ગ મોકળો બની શકે.
ઓસ્ટ્રેલિયા, યુકે અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પાણીનો વપરાશ ઘટાડવા તથા ભૂગર્ભ જળનું સ્તર ઘટતું નિવારવા માટે પગલાં લઈ રહ્યા છે. તેઓ જળ કટોકટી નિવારવા કદમ ઉઠાવી રહ્યાં છે. ચીને 2030 સુધીમાં તમામ નદી કાંઠાના વિસ્તારોમાં તેમજ શહેરોમાં પાણીની ગુણવત્તા આદર્શના 95 ટકા જેટલી હાંસલ કરવાનો ધ્યેય નિર્ધારિત કર્યો છે અને જળ સંચયના પગલાં તેમજ જળ પ્રદૂષણના પ્રમાણની દેખરેખ રાખવા 12 લાખ લોકોને કામે લગાડ્યા છે. આવી વ્યૂહરચનાઓ માટે ભારતમાં તો હજી કોઈએ વિચાર્યું સુદ્ધા નથી ત્યારે દેશે આઝાદીના 70 વર્ષમાં તો પોતાના મોટાભાગના જળ સ્ત્રોતો ગુમાવી દીધા છે. આ સ્થિતિમાંથી બહાર નિકળવા માટે, એક નવી જળ સંચય સંસ્કૃતિની રજૂઆત કરવાની જરૂર છે.
ખેડૂતોથી શરૂ કરીને સામાન્ય જનતા સુધીના સૌને એ વાતથી વાકેફ કરવા જરૂરી છે કે, જળ સંચય તો આજીવિકાનો પાયો છે. વરસાદી પાણીના સંગ્રહ (વોટર હાર્વેસ્ટિંગ) ને તો શાળાકિય અભ્યાસક્રમનો એક હિસ્સો જ બનાવી દેવો જોઈએ, જેથી બાળ માનસને એ વિષે નાનપણથી જ શિક્ષિત કરી શકાય. અગાઉની જળ નીતિઓએ મોટા મોટા વિચારો રજૂ કર્યા હતા, પણ જળ સંચય માટે તેમાંથી એકપણ સ્હેજે ઉપયોગી નહોતા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે, તોળાઈ રહેલી જળ કટોકટીના નિવારણ માટે તેણે કંઈ જ કર્યું નથી. વરસાદી પાણીના સંગ્રહ, અસરકારક જળ વપરાશ અને ગટરના પાણીના રીસાયક્લિંગ માર્ગદર્શિકાઓ તરીકે જેટલા મહત્ત્વના છે. તેટલું જ મહત્ત્વ તેના અમલ અને સમાજના તમામ વર્ગોની તેના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું છે.
ભારતમાં પીવાના પાણીની પાઈપલાઈન્સ તથા નળમાં ખતરનાક બેક્ટેરીયા ઈ-કોલીની જમાવટના કારણે આ પીવાનું પાણી માનવ વપરાશ માટે અયોગ્ય બની ગયું છે. આવી ગંભીર ઘટનાઓ નિવારવામાં આવી શકે અને તેનું પુનરાવર્તન અટકાવી શકાય તો જ આપણે પોતાની ભાવિ પેઢી પ્રત્યે જવાબદાર હોવાનું પ્રતિપાદિત કરી શકીશું.