કર્ણાટકની 15 વિધાનસભા બેઠકમાં થયેલી ઉપ-ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે સત્તાધારી પાર્ટીને બહુમતી મેળવવા 7 બેઠકની જરૂર છે. જુલાઈમાં કોંગ્રેસ-જેડીએસના 17 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેથી એચ.ડી કુમાર સ્વામીની ગઠબંધનવાળી સરકાર પાસેથી સત્તા છિનવાઇ ગઈ હતી. ત્યારબાદ આ ધારાસભ્યોને તાત્કાલીક ચૂંટણી લડવાની સ્પીકરે ઈન્કાર કરી દીધો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં ધારાસભ્યોને ફરી ચૂંટણી લડવાનો આદેશ આપ્યો હતો. અહીં કુલ 17 બેઠકમાં ચૂંટણી થવાની હતી, પરંતુ બે બેઠકનો મામલો કોર્ટમાં હોવાથી 15 બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેનું આજે પરિણામ આવશે.
બી.એસ યેદિયુરપ્પાએ દાવો કર્યો હતો કે, ભાજપનો 13 બેઠક પર વિજય થશે. જ્યારે, બીજી બે બેઠક કોંગ્રેસ અને જેડીએસને મળશે. વધુમાં એમણે દાવો સાથે કહ્યું હતું કે, કોંગ્રેસ વિપક્ષમાં રહેશે અને અમારી સરકાર બનશે.
મતગણતરી શરૂ થયા પહેલાં રાજ્યના નેતાઓએ મંદિરના સહારે આવી ગયા છે અને જીત માટેના આશીર્વાદ માગી રહ્યા છે. મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ ભગવાન મંજૂનાથના આશીર્વાદ લીધા. જ્યારે, જેડીએસ પ્રમુખ એચ.ડી. દેવગૌડા મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબાના શરણે ગયા છે. તેમણે કહ્યું કે, મારા માટે રામ અને રહીમ એક જ છે.
ઉલ્લેખનીય છે કે, ગોકક, કાગવાડ, અથાની, યેલપુરા, હિરેકેરૂર, રવબેન્નુર, વિજય નગર, ચિકબલ્લાપુર, કેઆરપુરા, યશવેતપુરા, મહાલક્ષ્મી લાયુત, શિવાજી નગર, હોસકોટે, હંસુર અને કેઆર પેટે બેઠકમાં ઉપ-ચૂંટણી યોજાઈ હતી અને 67.91 ટકા મતદાન થયું હતું.