કાશ્મીર ખાતે શહીદ થયેલા દિલીપસિંહ ડોડીયાના પાર્થિવ દેહને આજે માદરેવતન કાનપર લાવવામાં આવતા ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. શહીદની શહાદતને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
વલ્લભીપુરના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા કાશ્મીર ખાતે ભારત-પાકિસ્તાન કંટ્રોલ લાઇન પર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં અખનૂર સેક્ટરમાં બે દિવસ પહેલા તેમનું અકસ્માતે અવસાન થયું હતું. કાશ્મીર ખાતે શહીદ દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહ માદરેવતન કાનપર પહોંચતા પરિવાર અને ગ્રામજનોમાં આક્રંદ છવાયો હતો. શુક્રવારે વહેલી સવારે કાનપર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ દિલીપસિંહની અંતિમયાત્રા નીકળી હતી જયાં રાષ્ટ્રીય સન્માન સાથે આર્મીએ શહીદને સલામી આપી હતી.
આ અંતિમયાત્રામાં પ્રધાનો, ધારાસભ્યો સહિતના રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને શહિદ દિલીપસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અંતિમયાત્રામાં ગામ સમસ્ત સહિતના નાના ભૂલકાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નાના એવા કાનપર ગામમાં જવાન શહીદ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું અને ગામના તથા આજુબાજુના વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં દિલીપસિંહને અંતિમ વિદાય આપવા અંતિમ યાત્રામાં જોડાયા હતા. ‘ભારત માતાકી જય’ અને ‘દિલીપસિંહ અમર રહો’ના નારાથી કાનપર ગામ ગુંજી ઉઠયું હતું. વહેલી સવારે દિલીપસિંહની અંતિમયાત્રા તેમના ગામ કાનપર ખાતેથી કાઢવામાં આવી હતી જયાં રાષ્ટ્રીય સન્માન ગાર્ડ ઓફ ઓનર સાથે દિલીપસિંહને આર્મી જવાનોએ સલામી આપી અંતિમ વિદાય આપી હતી.
દિલીપસિંહની અંતિમયાત્રામાં અધિક નિવાસી કલેક્ટર ઉમેશ વ્યાસ, ઇન્ચાર્જ નાયબ કલેકટર નીનામા તેમજ વલભીપુર મામલતદાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી