નવી દિલ્હી: કોંગ્રેસે મણિપુરમાં ભાજપના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા સાથે અને રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે આ અઠવાડિયે તમામ શાસક ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરવા સાથે 10મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ ઉત્તર-પૂર્વીય રાજ્યના રાજકારણનો કોયડો વધુ ગૂંચવાય, તેવી પ્રબળ શક્યતાઓ છે.
મંગળવારે કોંગ્રેસે ડ્રગ હોલનો કેસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી પર 60 સભ્યો ધરાવતી મણિપુર રાજ્ય વિધાનસભાની રાજ્ય સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો હતો.
તેને પગલે બુધવારે, મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે નેશનલ પિપલ્સ પાર્ટી (એનપીપી), નાગા પિપલ્સ ફ્રન્ટ (એનપીએફ), ટીએમસીના એક ધારાસભ્ય અને સ્વતંત્ર ધારાસભ્ય સહિત ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના તમામ 29 ધારાસભ્યોની મિટિંગ બોલાવી હતી.
જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ, ભાજપના ચાર ધારાસભ્યો – એન. ઇન્દ્રજીત, એલ. રામેશોર મેઇતી, ડો. વાય. રાધેશ્યામ (હિયંગ્લમથી) અને એલ. રાધાકિશોર બેઠકમાં ગેરહાજર રહેતાં અનેક અટકળો વહેતી થઇ હતી. વર્તમાન સરકારનું સ્થાન યથાવત્ રાખવા માટે આ ધારાસભ્યોનો ટેકો મળવો જરૂરી છે.
તેને કારણે રાજ્યના રાજકારણમાં ફરી વખત આંકડાકીય સંકટ તોળાઇ રહેલું જણાય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં પણ સરકાર આવી જ કટોકટીમાં મૂકાઇ હતી.
ગયા મહિને ભાજપના ત્રણ ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામું ધરી દઇને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, જ્યારે એનપીપીએ ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી, જેને પગલે બિરેન સિંઘ સરકાર મુસીબતમાં મૂકાઇ હતી. આખરે ઉત્તર-પૂર્વમાં ભાજપના મુખ્ય ટ્રબલ-શૂટર અને નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (એનઇડીએ)ના કન્વિનર હિમંત બિશ્વ શર્મા અને મેઘાલયના મુખ્યમંત્રી તથા એનપીપીના નેતા કોનરાડ સંગમાની દરમિયાનગીરીને કારણે આ કટોકટીનો અંત આવ્યો હતો.
ત્યાર બાદ, ચાલુ મહિનાના પ્રારંભે કોંગ્રેસના બે ધારાસભ્યો – આર કે ઇમો અને ઓકરામ હેન્રીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તથા મણિપુરના ભૂતપૂર્વ રાજવી લેઇસેમ્બા સનાજાઓબાને મત આપતાં કોંગ્રેસે આ બંને ધારાસભ્યોને શોકોઝ નોટિસ ફટકારી હતી. ઇમો ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી આર કે જયચંદ્ર સિંઘના પુત્ર અને હાલના મુખ્યમંત્રી બિરેન સિંઘના જમાઇ છે, ત્યારે હેન્રી કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સીએલપી નેતા ઓકરામ ઇબોબી સિંઘના ભત્રીજા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઇમો અને ઇબોબી સિંઘ વચ્ચે ખટરાગ વધી રહ્યો છે અને ઇબોબી સિંઘ ઇમોને પક્ષ માટે ખતરારૂપ ગણે છે. આ ઉપરાંત ઇમો કોંગ્રેસના ધારાસભ્ય પણ છે, પરંતુ સાથે-સાથે તે ભાજપના મુખ્યમંત્રીના જમાઇ પણ છે.
બીજી તરફ, મુખ્યમંત્રી બિરેન સિંઘ પણ પક્ષની અંદર બળવાનો સામનો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી બનવાની ખેવના ધરાવી રહેલા બિશ્વજીત સિંઘ મુખ્યમંત્રી સામે વિરોધનો સૂર આલાપી રહ્યા છે. ગયા વર્ષે બિરેન સિંઘને મુખ્યમંત્રીના હોદ્દા પરથી દૂર કરવાના પ્રયાસને ભાજપની કેન્દ્રીય આગેવાનીએ નિષ્ફળ બનાવ્યો હતો અને બિરેન સિંઘનું સમર્થન કર્યું હતું.
હવે, મહિલા પોલીસ અધિકારી બ્રિન્દા દ્વારા મણિપુર હાઇકોર્ટમાં ડ્રગ હોલ કેસ મામલે દાખલ કરવામાં આવેલી એફિડેવિટને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અઠવાડિયે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. આ કેસમાં ચંદેલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (એડીસી)ના ભૂતપૂર્વ ચેરમેન લ્હુકોસેઇ ઝોઉ સંડોવાયેલા છે, જે રાજ્યમાં ભાજપ સત્તા પર આવ્યું, ત્યાર બાદ ભાજપમાં જોડાઇ ગયા હતા.
2018ના વર્ષમાં બ્રિન્દાએ ઝોઉના સત્તાવાર ક્વાર્ટર પરથી જૂની ચલણી નોટો અને નશીલા દ્રવ્યોનો માલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્રિન્દા હાલ નાર્કોટિક્સ એન્ડ અફેર્સ ઓફ બોર્ડર (એનએબી)ના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે.
જોકે, બ્રિન્દાએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં તેમની એફિડેવિટમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બિરેન સિંઘે તેમના પર ઝોઉને છોડી મૂકવાનું અને તેના વિરૂદ્ધની તથા કેસમાં સંડોવાયેલા અન્ય લોકો વિરૂદ્ધની ચાર્જશીટ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ આક્ષેપો ફગાવી દીધા છે.
જ્યારથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારથી કોંગ્રેસ આ કેસ સીબીઆઇને સોંપવાની માગણી કરતી આવી છે. હવે, બ્રિન્દાએ એફિડેવિટ દાખલ કરતાં પક્ષે અવિશ્વાસની દરખાસ્તના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે.
જોકે, 10મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા ચોમાસુ સત્રમાં વિધાનસભામાં આ મામલો વેગ પકડશે કે કેમ, તે જોવાનું રહે છે.
- અરૂણિમ ભુયાન