અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે તેમના જન્મદિવસ અવસરે મંદિર નિર્માણ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, મંદિર નિર્માણની તિથિ ખૂબ જલ્દી નક્કી કરી દેવામાં આવશે.
આજે રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અયોધ્યાના સંત રામચંદ્ર દાસ પરમહંસની પુણ્યતિથિ છે. તેમજ આજના જ દિવસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના અધ્યક્ષ તેમજ મણીરામ દાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલ દાસજીનો જન્મદિવસ એમ બંને તિથિ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોનો મેળાવડો જોવા મળતો હતો. પરંતુ આ વખતે લોકડાઉનના પગલે અમુક સંતો જ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લઈ શક્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય તેમજ જગતગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, અખિલ ભારતીય સંત સમિતિ તેમજ ગંગા મહાસભાના મહામંત્રી જીતેન્દ્ર આનંદ સરસ્વતી, RSSના કર્તાહર્તા ભૈયાજી જોશી, ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય સહિત ઘણા વીએચપી કાર્યકરો તેમજ સંતોએ શ્રી મણીરામ દાસ છાવણી ખાતે પહોંચી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
આ મંદિર લાંબા સમય સુધી ટકી શકે તેમ બનાવવામાં આવશે. ન્યાસ દ્વારા સૂચવાયેલા મોડલ અનુસાર કામગીરી શરૂ થઈ ગઈ છે અને અન્ય કોઈ વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી.