શ્વાસોચ્છવાસની તકલીફ અને કોવિડ-19
કોવિડ-19ના વધી રહેલા કેસોથી વિશ્વભરનાં લોકો અને તેમાંયે ખાસ કરીને જેમને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય, તેવા લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. કોરોનાવાઇરસએ શ્વસનક્રિયાને પ્રભાવિત કરતો વાઇરસ છે અને આથી, અન્ય લોકોની તુલનામાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પ્યૂલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)ની સમસ્યા ધરાવનારા લોકો માટે પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે.
આથી, સીઓપીડીના દર્દીઓની પૂરતી કાળજી લેવામાં આવે તથા તેમને વાઇરસના સંપર્કથી દૂર રાખવામાં આવે, તે ઘણું જરૂરી છે. આ સંદર્ભમાં, રેસ્પિરેટરી હેલ્થ એસોસિએશન (શ્વસન આરોગ્ય સંગઠન)એ સીઓપીડીથી પીડાતા લોકો માટે નીચેનાં પગલાંની ભલામણ કરી છે
- કરિયાણાં જેવી રોજબરોજની જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઘરે સંગ્રહ કરી રાખવો. જરૂર પડ્યે કોઇ સ્વયં ઘરની બહાર નિકળવાને બદલે કોઇ વ્યક્તિને બહારથી સામાન લઇ આવવા માટે જણાવવું.
- તમારી પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓનો ઘરમાં સંગ્રહ કરી રાખવો.
- જો તમે સપ્લિમેન્ટલ (ઉમેરારૂપ) ઓક્સિજન પર નિર્ભર હોવ, તો તમારા સપ્લાયરનો સંપર્ક સાધીને તમારી જરૂરિયાતો સમયસર સંતોષાય, તે સુનિશ્ચિત કરવું.
- અન્ય લોકો સાથેનો સંપર્ક શક્ય તેટલો ટાળવાનો પ્રયાસ કરવો.
- તમારા ઘરમાં પ્રવેશ કરનારી પ્રત્યેક વ્યક્તિ માટે સ્વચ્છતા માટેનું યોગ્ય રૂટિન જાળવવું. તેમણે કોઇ પણ પ્રકારના સંપર્ક પહેલાં સ્વયંને સેનિટાઇઝ કરવી જોઇએ.
- હેલ્થ કેર પ્રોવાઇડરની મુલાકાત લેવા જેવી અત્યંત જરૂરી સ્થિતિ સમયે જ ઘરની બહાર નિકળવું. બહાર નિકળવું જ પડે, તેવા કિસ્સામાં છ ફૂટનું અંતર જાળવો, માસ્ક પહેરો અને તમારા હાથને વારંવાર સાબુ વડે ધુઓ અથવા તો સેનિટાઇઝરથી સ્વચ્છ કરો.
- ઘરે પણ તમરા હાથ વારંવાર સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી ધુઓ અથવા તો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- ટેબલની સપાટી, રિમોટ, મોબાઇલ ફોન વગેરે જેવી ચીજવસ્તુઓને નિયમિતપણે ડિસઇન્ફેક્ટ (જંતુમુક્ત) કરતા રહો. તેમના પર જંતુ હોઇ શકે છે.
- તમારા આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો.
- ખાંસી કે છીંક ખાતી વખતે યોગ્ય સ્વચ્છતા જાળવો, જેમ કે, ખાંસી ખાતી વખતે મોંને ડિસ્પોઝેબલ ટિશ્યૂથી ઢાંકો અને તે ટિશ્યૂ પેપરને બંધ કચરાપેટીમાં ફેંકી દો.
- ધૂમ્રપાન કરશો નહીં. ખાસ કરીને આ સમય દરમિયાન તમારી શ્વસન વ્યવસ્થાને સ્વચ્છ શ્વાસ મળે, તે જરૂરી છે. જો તમે કોવિડ-19ના સંપર્કમાં આવ્યા હોવ, તો તેવા કિસ્સામાં તમારી શ્વસન વ્યવસ્થા મજબૂત હોવી જરૂરી છે.
આમ, કોવિડ-19ના રોગચાળાની સ્થિતિમાં જો તમે સ્વયંની થોડી વધુ કાળજી રાખશો, તો કોઇને નુકસાન નહીં થાય. સીઓપીડીના દર્દીઓ માટે સ્થિતિ ઘણી જોખમી હોવાને કારણે તેમણે સાવચેતીનાં તમામ પગલાં અનુસરવાં જોઇએ અને તેમની શ્વાસોચ્છવાસની વ્યવસ્થાને શક્ય હોય તેટલી મજબૂત રાખવી જોઇએ.