ચિત્રકૂટ: સામાન્ય લોકોને પાયાની સુવિધાઓ પહોંચાડવાની વાતો સરકારી તંત્રમાં ખૂબ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જૂદી જ હોય છે. ચિત્રકૂટમાં એવી અનેક જગ્યાઓ છે જે વાસ્તવિકતાથી ઘણી દૂર છે. જ્યાં આજ સુધી "વિકાસનો પ્રકાશ" પહોંચી શક્યો નથી. આવા જ કેટલાક ગામોમાં આજ દિન સુધી પાકા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થિતિ એ છે કે, આરોગ્ય સુવિધાઓની બાબતમાં અહીં કોઈ સરકારી દવાખાનું નથી અને જો કોઈ અકસ્માત થાય તો અહીં કોઈ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી. એવું પણ ઘણી વખત બન્યું છે કે, સમયસર એમ્બ્યુલન્સ નહીં પહોંચી શકવાને કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હોય.
ગામલોકોએ જણાવ્યું કે, સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, પાકા રસ્તાના અભાવે આજે પણ અનેક વયસ્ક લોકો લગ્નથી વંચિત છે. તેઓના લગ્ન થઈ શક્યા નથી. તો હાલમાં જ લગ્ન તૂટવાથી દુખી થયેલી યુવતિ સાવિત્રીએ જણાવ્યું કે, અમારા ગામની હાલત ખૂબ જ ખરાબ છે. લોકો અહીં આવે તો છે લગ્નનો સંબંધ લઈને પણ ગામની દશા અને કાચા રસ્તાઓને કારણે સંબંધો થઈ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, ચિત્રકૂટ અને આસપાસના વિસ્તારોમાં આશરે 200 જેટલાં પરિવાર રહે છે. જેમાં આદિવાસી અને અન્ય પછાત વર્ગ પણ રહે છે. આઝાદીના સાત દશક વીતી જવા છતાં અહીં પાયાની સવવિધાઓનો સદંતર અભાવ છે.