હૈદરાબાદ: ભારતના લિજેન્ડરી ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે કોરોના વાઇરસના વૈશ્વિક રોગચાળાની સ્થિતિમાં લોકોને તેમના હાથ ધોવાનો અનુરોધ કર્યો છે. કોરોના વાઇરસની બિમારીને મહામારી જાહેર કરનાર વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ લોકોને ઇન્ફેક્શનથી બચવા માટે નિયમિતપણે સાબુ વડે હાથ ધોતા રહેવાનું સતત જણાવી રહ્યું છે.
સ્વચ્છતાના મહત્વ ઉપર ભાર મૂકતાં માસ્ટર બ્લાસ્ટરે પણ તમામ લોકોને બિમારી સામે લડત આપવા માટે તેમના હાથ નિયમિતપણે સાબુથી ધોતા રહેવાની અને થોડા દિવસો માટે લોકો સાથેના સંપર્કોથી અળગા રહેવાની સલાહ આપી હતી અને ટ્વિટ કરીને કહ્યું કે "દેશના નાગરિક તરીકે, આપણે જવાબદારીપૂર્વક વર્તન કરવું પડશે. કોરોનાવાઇરસને દૂર રાખવા માટે આપણે સરળ પગલાં અનુસરી શકીએ છીએ. આપણે સૌ સલામત રહીએ, તે સુનિશ્ચિત કરવા માટે હું તમામ લોકોને મૂળભૂત માર્ગદર્શિકાનું પાલન કરવાની વિનંતી કરૂં છું,"
"કોરોનાવાઇરસને કારણે આપણે સૌ ચિંતિત છીએ. પરંતુ, આપણે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ, જેમ કે, ભીડભાડવાળી જગ્યાઓએ ન જવું," તેમ તેંડુલકરે ટ્વિટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું. "જો તમને ખાંસી થઇ હોય અથવા તો સ્વસ્થતા ન અનુભવી રહ્યાં હોવ, તો તમારે નજીકના ડોક્ટર પાસે જવું જોઇએ. તમારે સાબુથી હાથ પણ ધોવા જોઇએ અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવું જોઇએ," તેમ તેંડુલકરે ઉમેર્યું હતું.