ચેન્નઈ: તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ કોલેજના સેમેસ્ટરની પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના વાઈરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેવાની મંજૂરી આપી છે.
પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર પરીક્ષાઓ લેવાની સંભાવનાને જોતા એક ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરવામાં આવી હતી. જેમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસના વધતા જતા પ્રકોપને કારણે પરીક્ષાઓ થઈ શકશે નહીં.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ની માર્ગદર્શિકા અનુસાર આર્ટ્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સના અભ્યાસક્રમોના અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ વર્તમાન સેમેસ્ટર પરીક્ષાઓ નહીં લે.
જો કે, આ ઘોષણામાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અંતિમ સેમેસ્ટરની પરીક્ષા રહેશે. પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવામાં આવશે તે સંબંધિત અન્ય માહિતી પછીથી આપવામાં આવશે. કોરોના ચેપના મામલે તમિલનાડુ બીજા ક્રમે છે. રાજ્યના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે, તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 1,86,492 પોઝિટિવ કેસ આવ્યા છે. તેમાંથી 51,765 સક્રિય કેસ છે, જ્યારે 3144 લોકોનાં મોત નીપજ્યાં છે. 1,31,583 લોકો સ્વસ્થ થયાં છે.