મુંબઇઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યું સાથે સંકળાયેલા ડ્રગ્સના કેસમાં શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાન્ડાની ધરપકડ કરવામાં આવી છે. સુશાંત કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. સુશાંત કેસની તપાસના સંદર્ભમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને અભિનેતા સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના મકાન પર એનસીબીએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની NDPS એક્ટની કલમ 8 સી, 28 અને 29 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. NCBના જણાવ્યા મુજબ, શોવિક સૂત્રધાર હતો કે જેણે ફક્ત સુશાંત માટે જ નહી બલ્કી બીજા પણ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ માટે પણ ડ્રગ્સની વ્યવસ્થા કરી હતી.
અગાઉ એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું કે શોવિકને જલ્દી ધરપકડ કરવામાં આવી શકે છે. સવારથી જ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક પર ધરપકડની તલવાર લટકી રહી હતી. રિયાના ઘરે દરોડા પાડ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ શોવિક ચક્રવર્તીને સાથે લઈ ગઈ હતી. શોવિકને ડ્રગ્સ પેડલર સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.
સુશાંત કેસમાં એનસીબી સવારથી જ એક્શનમાં જોવા મળી હતી. પહેલીવાર કોઇ તપાસ કરનાર ટીમ રિયાના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. પ્રથમવાર રિયાના ઘરે પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ પ્રથમ વાર કોઇ તપાસ એજન્સીએ રિયાના પરિવારના કોઇ સભ્યને ઘરેથી ઉઠાવીને લઇ ગયા હતા. તે સદસ્ય રિયાનો ભાવી શોવિક હતો. ત્યારથી જ તેના પર ધરપકડની તલવાર લટકી રહી હતી.
સુશાંત કેસના ડ્રગ્સ કનેક્શન અંગે NCBની ટીમે શોવિકની સાથે-સાથે ડ્રગ્સ પેડલર બાસીત અને ઝૈદની પણ પૂછપરછ કરી હતી, તમામને સાથે બેસાડીને તેમની સાથે સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.