નવી દિલ્હી: નાગરિકતા કાનૂન એટલે કે CAAને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. CAAને લઇને અત્યાર સુધીમાં 140 અરજી દાખલ થઇ છે. જેમાંથી સૌથી વધુ અરજી CAAના વિરોધમાં છે, જેમાં CAA ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ તકે CJI એસ. એ. બોબડે, જસ્ટિસ અબ્દુલ નજીર, જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ આ તમામ અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
11.25 AM : સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદાને લઇને તમામ અરજીઓનો જવાબ માંગ્યો છે. આગામી 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. જ્યારે આસામ સંબંધિત અરજીઓ પર જવાબ આપવા કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
11.20 AM : સુનાવણી સમયે CJIએ કહ્યું કે, હજુ કોઇ પણ આદેશ બહાર પાડી શકીએ નહીં કારણ કે હજુ ઘણી અરજીઓને સાંભળવાની બાકી છે. એવામાં તમામ અરજીઓેને સાંભળવી જરૂરી છે. એટોર્ની જનરલની દલીલ છે કે, કોર્ટે આદેશ બહાર પાડવો જોઇએ કે હવે કોઇ પણ અરજી દાખલ થવી જોઇએ નહીં.
11.10 AM : જ્યારે એટોર્ની જનરલ કે.કે વેળુગોપાલની દલીલ પર અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, UPમાં 10 હજાર લોકોને નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોર્ટે વકીલ વિકાસ સિંહ, ઇન્દિરા જયસિંહે કહ્યું કે, આસામમાં 10થી વધુ અરજીઓ છે, તે બાબત જુદી છે તેના પગલે આદેશ અલગથી બહાર પાડવો જોઇએ.
11.04 AM : એટોર્ની જનરલ વેળુગોપાલે કોર્ટને જણાવ્યું કે, અત્યાર સુધી 144માંથી 60 અરજીઓની જ કોપી મળી છે. જેના પર કપિલ સિબ્બલે કહ્યું કે, પહેલા એ નક્કી થાય કે આ મામલો બંધારણીય બેંચ પાસે મોકલવો કે નહીં? અમે આ કાયદા પર રોકની માગ નથી કરી રહ્યાં. જો આ કાયદા પર સ્ટે ન લાગે તો અમારી માગ છે કે CAAની પ્રક્રિયાને ત્રણ મહિના સુધી ટાળી દેવી જોઇએ.
11: 00 AM : કોંગ્રેસ નેતા જયરામ રમેશ તરફથી રજુ થયેલા વકીલ કપિલ સિબ્બલે નાગરિકતા કાયદાને લઇને દાખલ અરજીઓને બંધારણીય બેંચને મોકલવાની માગ કરી છે.
10: 53 AM : સુપ્રીમ કોર્ટમાં CAAને લઇને સુનાવણી શરૂ.