નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત બાદ કોરોન્ટાઈન કરાયેલા 916 વિદેશી નાગરિકોને મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે સમન પાઠવ્યું છે.
જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે આ મામલો ડિવિઝન બેંચમાં સુનાવણી માટે સ્થાનાંતરિત કર્યો હતો. આ મામલે આગામી વધુ સુનાવણી 26 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ અરજી મોહમ્મદ જમાલે કરી હતી. જેમાં અરજદાર વતી એડવોકેટ અશિમા મંડલાએ અરજીમાં જણાવ્યું છે કે, દિલ્હી સરકારના મહેસૂલ વિભાગે 9 મેના રોજ 916 વિદેશી નાગરિકોને દિલ્હી પોલીસને સોંપવાનો આદેશ આપ્યો છે. આ વિદેશી નાગરિકોની એક મહિનાની ક્વોરેન્ટાઇન પૂર્ણ થઈ ગઈ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને હવાલે કરવાનો હુકમ બંધારણની કલમ 14, 21 અને 22નું ઉલ્લંઘન છે. આ અરજીમાં કોર્ટને વિદેશી નાગરિકોને મુક્ત કરવા માટેનો આદેશ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને ઈદ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં વિદેશી નાગરિકોને એકલતામાં રાખવા બંધારણીય હક્કોનું ઉલ્લંઘન છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ માટે વ્યક્તિની અટકાયત કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. જેથી કોર્ટે વિદેશી નાગરિકોને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપવો જોઈએ.